ખેડૂતો માટે કૉંગ્રેસ આવતીકાલથી મેદાનેઃ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આક્રોશ યાત્રા…

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું છે, માવઠાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા ભારે નુકસાનને પગલે સરકાર તાબડતોડ સરવે કરી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે.
એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે વિરોધ પક્ષો પણ સરકારને આ મુદ્દે ઘરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે. કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે.

કોંગ્રેસ અમિત ચાવડાની આગેવાનીમાં 6 નવેમ્બર ગુરૂવારથી ગીર સોમનાથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવા જઈ રહી છે. આ યાત્રાનું ગીર સોમનાથથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર થઈ દ્વારકામાં સમાપન થશે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આ યાત્રા ફરશે. તેને લઇને પ્રદેશ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવાઈ છે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે અને નાની-મોટી સભાઓ કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે.
મહત્વની વાત તો એ છે કે આ ખેડૂત આક્રોશ યાત્રા માટે પ્રદેશના નેતાઓને પણ એક-એક જિલ્લામાં મેદાને ઉતારવામાં આવ્યા છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના પ્રદેશના નેતાઓ પણ એક-એક જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રામાં હાજર રહેશે.
આ ખેડૂત આક્રોશ યાત્રામાં ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાશે. જેમાં જે ગામ, તાલુકા અને જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રા પસાર થશે ત્યાં પણ મોટી સંખ્યામાં ખેડૂતોને ભેગા કરવા માટેની સ્થાનિક નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં નાની-મોટી સભાઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કરશે.

કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, કુદરતી આફતના કારણે ખેડૂતોને નુકસાન થાય છે તે માટે પાક યોજના શરૂ કરવાની માગ, ખાતર અને બિયારણની કાળાબજારી અને તેની તંગી ઊભી ના તેવી વ્યવસ્થા કરવાની માગ, ખોટી જમીન માપણી રદ્દ કરવામાં આવે તે સહિતની માંગણીઓ કોંગ્રેસે સરકાર પાસે કરી છે.



