હજુ કૉંગ્રેસમાંથી વિકેટ પડવાના સંકેતઃ પાટણના વિધાનસભ્યએ પક્ષને આપી આ સલાહ

અમદાવાદઃ કૉંગ્રેસ રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધનની તૈયારી કરી રહી છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીમાં પડી છે, પરંતુ રાજ્ય કક્ષાએ નબળી પડી રહી છે. તાજેતરમાં પાંચ રાજ્યોની યોજાયેલી ચૂંટણીના પરિણામોએ આ વાત સાબિત કરી છે. પક્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ નબળું પડતું હોવાનો કકડાટ 2014 પછી થઈ રહ્યો છે. 
ગુજરાતમાં તો પક્ષ 30 વર્ષથી સત્તાથી દૂર છે અને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠક પર વિજય મેળવી શક્યો હતો. તેવામાં ગઈકાલે એક વિધાનસભ્ય ચિરાગ પટેલએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને બીજા પણ આપે તેવી અટકળો ચાલી રહી છે. આ વચ્ચે પાટણના કૉંગ્રેસના વિધાનસભ્ય કિરીટ પટેલએ પોતાના જ પક્ષને સલાહ આપી છે. આ સાથે તેમણે ભાજપના વખાણ પણ કર્યા છે. 
આથી તેઓ રાજીનામું ધરી દેશે તેવી અટકળો પણ વહેતી થઈ છે. એક નિવેદનમાં કિરીટ પટેલએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ વિધાનસભ્યોના રાજીનામાને ગંભીરતાથી લેતો નથી. પક્ષએ જે 16 વિધાનસભ્ય બચ્યા છે તેમની બેઠક બોલાવવી જોઈએ નહીં તો પક્ષએ વધારે નુકસાની વહોરવી પડે તેમ પણ બને. આ સાથે તેમણે પક્ષ પર પ્રહારો કરતા એમ પણ કહ્યું છે કે કૉંગ્રેસના જેટલા સભ્યો જીત્યા છે તે પોતાની પ્રતિભાને લીધે જીત્યા છે.
 ભાજપમાં ઉમેદવાર માટે સંગઠન કામ કરતું હોય છે, પરંતુ કૉંગ્રેસમાં પક્ષના લોકો જ હરાવવાનું કામ કરે છે. વિધાનસભ્યો લેખિતમાં ફરિયાદો કરે તેમ છતાં પગલાં લેવામાં આવતી નથી, પછી તેઓ પોતાના રસ્તાઓ શોધી લેતા હોય છે. તેમનો ઈશારો હજુ પક્ષમાં ભંગાણ પડશે તેના તરફ હોવાનું જણાઈ રહ્યું છે.
 
 
 
 


