Gujarat: કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાએ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી

અમદાવાદઃ એક તરફ લોકસભાની ચૂંટણીની ટિકિટ માટે ઈચ્છુકોની લાઈન લાગી છે જ્યારે ગુજરાત કૉંગ્રેસ (congress)માં એવા ઘણા નેતાઓ છે જેમણે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા ન હોવાનું જણાવ્યું છે. કૉંગ્રેસના આવા જ એક વરિષ્ઠ નેતા ભરત સોલંકી પણ આ યાદીમાં સામેલ હોવાની માહિતી મળી છે.
સૂત્રોનું માનીએ તો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)એ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે. આ માટે તેમણે કારણ આપ્યું છે કે તેમને જમ્મુ-કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને તે જવાબદારી હોવાથી તેઓ ગુજરાતની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેમ નથી.
તેમણે એમ પણ જણાવ્યું છે કે દાયકાઓથી પક્ષ મારા પરિવારને તક આપતો આવ્યો છે અને તે બદલ તેઓ કૉંગ્રેસના આભારી છે. ભરતસિંહ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર છે અને કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે, તેમ જ ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમની સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.
અગાઉ ભરતસિંહ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણી આણંદ (Anand) બેઠક પરથી લડી હતી. જોકે આ બન્ને ચૂંટણીમાં કૉંગ્રેસ ગુજરાતની તમામ 26 બેઠક હારી ગઈ હતી.
ભરતસિંહે મુંબઈ સમાચાર સાથે વાત કરતા આ વાતમાં હામી ભરી હતી અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરની ચૂંટણી પણ નજીકના સમયમાં આવશે. મને ત્યાંનો પ્રભારી બનાવ્યો છે અને મારા પર જવાબદારી છે, આથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે નવા ચહેરાઓ આવે તે પણ જરૂરી છે.