ગુજરાત કૉંગ્રેસમાં જૂથબંધી હોવાનો આ નેતાએ કર્યો સ્વીકાર, જાણો શું કહ્યું?
Latest Vadodara News: વડોદરા ગુજરાતમાં કૉંગ્રેસની (gujarat congress) સ્થિતિ વધુ દયનીય બની રહી છે. નેતાઓમાં અંદરો અંદર ચાલી રહેલી જૂથબંધી હવે સપાટી પર આવી ગઈ છે. ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી રામ કિશન ઓઝા બે દિવસથી વડોદરાના પ્રવાસે આવ્યા છે. તેમણે વડોદરા શહેરના તમામ વોર્ડ પ્રમુખ અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે શુક્રવારે પત્રકારો સમક્ષ શહેરની સમસ્યાઓ મુદ્દે ભાજપના શાસકો સામે સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કૉંગ્રેસની જૂથબંધી અંગે કહ્યું હતું કે, જૂથબંધી દરેક જગ્યાએ હોય છે. આ પારિવારિક લડાઈ છે. અમારા કૉંગ્રેસ પરિવારના સભ્યોને સાથે બેસીને સમજાવીશું અને તેનો ઉકેલ લાવીશું. આગામી સમયમાં અમે સંગઠનને મજબૂત કરીશું અને લોકો વચ્ચે જવાની વાત હોય તે કરીશું. વડોદરા મહાનગરપાલિકાનું બજેટ 5000 કરોડનું છે. આ બજેટ ક્યાં વપરાય છે તેનો ખર્ચ ક્યાં ક્યાં થાય છે, તે પૈસા ક્યાં ગયા તે પાલિકાને પૂછીશું અને અમે એક ઘોષણાપત્ર લોકો સમક્ષ રજૂ કરીશું અને લોકોનું સમર્થન માંગીશું.
આ પણ વાંચો : તસવીરની આરપાર : વડોદરા (ટહુકો નગરી)ના ઈતિહાસ ને કલાત્મક વારસા પર દૃષ્ટિપાત કરીએ…
તેમણે ઉમેર્યું હતું કે, બે દિવસ દરમિયાન વડોદરા શહેરના તમામ વોર્ડમાં વોર્ડ પ્રમુખ અને કાર્યકરોને મળ્યા અને તેમની સાથે ચર્ચા કરી હતી. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ દરમિયાન જ્યારે વર્ષોથી સત્તામાં રહેલા લોકો ઘરમાં બેસી રહ્યા હતા, ત્યારે અમારા કાર્યકરો શહેરમાં જઈને લોકોની સેવા કરી હતી. વડોદરા શહેરના શાસકોએ લોકો સાથે અન્યાય કર્યો છે. લોકો મોટો ટેક્સ ભરે છે છતાં તેમને પ્રાથમિક સુવિધાઓ મળી નથી. કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપી હતી.