ગુજરાતમાં કમર્શિયલ રિયલ્ટી માર્કેટમાં ધૂમ તેજીઃ 2024-25 245 નવા પ્રોજેક્ટ્સ લોન્ચ…

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એક તરફ હાઉસિંગ માર્કેટ મંદીમાં ચાલી રહ્યું છે, અને અડધો અડધ સ્કીમ્સ વેચાયા વગરની પડી રહી છે, ત્યાં બીજી તરફ કમર્શિયલ પ્રોજેક્ટ્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી કમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં વોલેટિલિટી રહી હતી પરંતુ હવે તેમાં ગતિ આવી છે, મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ૨૪૫ નવા કમર્શિયલ પ્રોજેક્ટ્સ શરૂ થયા છે, જે ૨૦૧૯-૨૦ બાદ સૌથી વધુ છે.
૨૦૧૯-૨૦માં ૨૬૯ નવા કમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થયા હતા. આ ઉપરાંત કોવિડ બાદ કોમર્શિયલ યુનિટના રેજિસ્ટ્રેશનમાં પણ ઉછાળો આવ્યો છે, અને લેટેસ્ટ ગુજરેરા રિપોર્ટ પ્રમાણે ૩૧,૫૨૦ યુનિટ લોન્ચ થયા છે.૨૦૨૦-૨૧માં જ્યારે કોવિડ તેની ટોચ પર હતો ત્યારે કમર્શિયલ પ્રોજેક્ટમાં ૫૮ ટકાનો ઘટાડો થયો હતો, કેમ કે ત્યારે લોકડાઉન હતું અને વર્ક ફ્રોમ હોમનું ચલણ હતું, જેને લીધે ડિમાન્ડ પણ ઘટી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ દરમિયાન એન્ટરટેઈન્મેન્ટ, ફૂડ, જીમ અને ટયુશન ક્લાસિસ જેવા સેક્ટરને સૌથી મોટો ફટકો પડ્યો હતો, અને તેને લીધે ઓફિસની ડિમાન્ડમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેને લીધે કોવિડ દરમિયાન અને ત્યારબાદ નવા કમર્શિયલ પ્રોજેક્ટના લોન્ચમાં પણ ઘટાડો થયો હતો. જોકે, હવે ડિમાન્ડ વધી છે, અને છેલ્લા એક વર્ષમાં સમગ્ર ગુજરાતમાં નવા કમર્શિયલ પ્રોજેક્ટ્સ શરૂ થયા છે.
કમર્શિયલ પ્રોજેક્ટ્સમાં આવેલી રિકવરીમાં ગ્રીન
કન્સ્ટ્રક્શન પણ એક મોટું ફેક્ટર રહ્યું છે. મોટા શહેરોમાં ૪૦થી ૫૦ ટકા કમર્શિયલ પ્રોજેક્ટ્સ હવે ગ્રીન બિલ્ડિંગ્સ હોય છે, અને રાજ્ય સરકારે આપેલી કેટલીક રાહતને લીધે બિલ્ડર્સ પણ ગ્રીન બિલ્ડિંગ્સ તરફ શિફ્ટ થઈ રહ્યા છે. ગ્રીન બિલ્ડિંગ્સમાં ઈલેક્ટ્રિસિટીની ૩૦ ટકા તેથી તેનાથી વધુની બચત થતી હોવાના કારણે બાયર્સ પણ તેના તરફ વળ્યા છે.
ગુજરેરાના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં કમર્શિયલ લોન્ચ સ્થિર ગતિએ વધી રહ્યો હતો પરંતુ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ એમ બંને વર્ષોમાં તેમાં ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ૨૦૨૦-૨૧માં ઈન્વેસ્ટમેન્ટ ૬૩.૯ ટકા નોંધાયું હતું.
જોકે, ૨૦૨૧-૨૨માં તેમાં ઉછાળો આવ્યો હતો અને ૪૩ ટકા વધારો થયો હતો. જ્યારે ૨૦૨૩-૨૪મા આ ગ્રોથ યથાવત રહ્યો હતો અને ૬૮.૨ ટકા જ્યારે ૨૦૨૪-૨૫માં ૧૫.૬ ટકાનો ઉછાળો આવ્યો હતો. ૨૦૨૪-૨૫માં એકલા અમદાવાદમાં જ ૭૨ કમર્શિયલ પ્રોજેક્ટ્સ રેજિસ્ટર્ડ થયા છે, જેનાથી ૩૩૯૪ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થશે.
જેમ-જેમ કમર્શિયલ પ્રોજેક્ટ્સની સંખ્યા વધી રહી છે તેમ તેમ તેના ભાવમાં પણ વધારો થયો છે. ગુજરેરાના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭-૧૮માં એક કોમર્શિયલ યુનિટની એવરેજ પ્રાઈસ ૩૪ લાખ રૂપિયા હતી પરંતુ ૨૦૨૨-૨૩માં તે ઘટીને ૨૫ લાખ રૂપિયા થઈ ગઈ હતી. ૨૦૨૩-૨૪માં ડિમાન્ડમાં વધારો થતાં પ્રતિ યુનિટની પ્રાઈસ વધીને ૪૪ લાખ પર પહોંચી હતી અને ૨૦૨૪-૨૫માં ૪૦ લાખ રૂપિયા પર સેટલ થઈ હતી.