પારો ગગડ્યો: ગુજરાત ઠંડુંગાર! નલિયામાં 11.2°C, રાજકોટ-ડીસામાં પણ આકરી ઠંડી

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યના તમામ જિલ્લામાં ન્યૂનતમ તાપમાનનો પારો સટાસટ નીચો ઉતરી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં નીચા તાપમાને આકરી ઠંડીની અસર વર્તાવી હતી. સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં 11.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન હતું.
છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. જો કે ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જ્યારે પ્રદેશના બાકીના ભાગોમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું નોંધાયું હતું; દક્ષિણ ગુજરાત પ્રદેશના ભાગોમાં તે નોંધપાત્ર રીતે નીચું હતું, જ્યારે બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. સમગ્ર પ્રદેશમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
છેલ્લા 24 કલાકમાં ન્યૂનતમ તાપમાનના આંકડાઓ જોઈએ તો રાજકોટમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.6 ડિગ્રી સેલ્સિયસ, જામનગરમાં 15.3 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 16.7 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 16.7 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 18.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



