Gujarat માં હજુ પણ કોલ્ડ વેવની આગાહી, નલિયા ઠંડુગાર થયું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ઠંડીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં લધુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે. તેમ પણ ખાસ કરીને કચ્છમાં પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં એક દિવસના ઘટાડા બાદ ઠંડીનો પારો ફરી ગગડ્યો હતો. રાજ્યમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 5.7 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે બીજી તરફ હવામાન વિભાગે કચ્છ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.
આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકૂ રહેશે
આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકૂ રહેશે.
Also Read – અલંગથી સરતાનપરના દરિયામા ઓઇલ ઢોળાયા બાદ માછીમારી ઠપ્પઃ અલંગના પ્લોટને આપી નોટીસ
ઓખામાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફ વર્ષાના પગલે ગુજરાતમાં પણ ઠંડી વધી રહી છે. જેના પગલે અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે. ઓખામાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસા 12.8 ડિગ્રી રહ્યું હતું.
અમદાવાદમાં તાપમાનમાં વધારો
જોકે, આ બધા વચ્ચે અમદાવાદ શહેરમાં તાપમાન ઉચકાયું છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું હતું. ગુરુવારે અમદાવાદમાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતુ. જે મંગળવારે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં તાપમાન ઉચકાવવા છતાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.