Gujaratમાં શીત લહેરથી લોકો ઠૂંઠવાયા, આગામી દિવસમાં ભુક્કા બોલાવશે ઠંડી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ઠંડીની અસર વધી રહી છે. તેમજ ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમ વર્ષાના લીધે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી પવનની ગતિ વધતાં કોલ્ડ વેવની અસર શરૂ થઈ છે. શુકવારે રાજ્યમાં 20 કિલોમીટરની ગતિએ ફુંકાયેલા પવને રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઠંડુગાર કરી દીધું છે. જેની અસર જનજીવન પર જોવા મળી રહી છે. ગુજરાતમાં સરેરાશ 10 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. જેમાં નલિયામાં 8 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં પણ પવન સાથે ઠંડી વધી
અમદાવાદ શહેરમાં પણ ભારે ઠંડીની અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યારે શુક્રવારે પણ અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ નજીક પાટનગર ગાંધીનગરમાં 12.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
નલિયામાં 8 ડિગ્રી લઘુતમ તાપમાન
ગુજરાતમાં શુકવારે 8 ડિગ્રીથી લઈને 19.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. જેમાં નલિયામાં 8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 19.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…કડકડતી ઠંડીએ Mount Abu ને થિજવ્યું: વાહનો પર બરફ જામ્યો!
ડિસેમ્બર અંત સુધીમાં ભુક્કા બોલાવશે ઠંડી
ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો છે. જ્યારે હવામાન વિભાગે પણ ગુજરાતના મોટાભાગના કોલ્ડ વેવની આગાહી કરી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો હજી નીચે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં હજી પણ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ કરી છે.