ગુજરાત સરકાર કોચિંગ ક્લાસિસના નિયમન માટે વટહુકમ બહાર પાડશે…

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની સલામતી અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને કોચિંગ ક્લાસિસના નિયમન માટે વ્યાપક માર્ગદર્શિકા બહાર પાડ્યા પછી રાજ્ય સરકાર ટૂંક સમયમાં કોચિંગ ક્લાસિના નિયમન માટે વટહુકમ બહાર પાડે તેવી શક્યતા છે. આ સૂચિત વટહુકમનો મુસદ્દો તૈયાર કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી.
કોચિંગ ક્લાસિસ માટે વટહુકમમાં કેટલાક નિયમો જાહેર થઈ શકે છે. તેમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, દરેક વિદ્યાર્થી માટે ન્યૂનતમ જગ્યા નક્કી કરવી, વહેલા બહાર નીકળવા માટે સ્પષ્ટ રિફંડ નીતિ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે ફરજિયાત વીકલી રજા, વિદ્યાર્થીઓની માનસિક સુખાકારી સુનિશ્ચિત કરવી અને ફરજિયાત બી.યુ. પરવાનગી તથા ફાયર સેફ્ટી એનઓસી મેળવવાનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું કે, આ સૂચિત વટહુકમમાં જુલાઈમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોનો સમાવેશ કરવામાં આવશે. રાજ્યમાં જે કોચિંગ ક્લાસિસની સરકારમાં નોંધણી નથી થઈ તેઓ વર્ષે રૂ. 1.25 લાખથી રૂ. 2.25 લાખ સુધીની ફી વસૂલ કરે છે. જો કેન્દ્ર સરકકારની માર્ગદર્શિકા અનુસાર વટહુકમ લાગુ કરવામાં આવશે તો કોચિંગ ક્લાસિસમાં ધો. 10થી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે નહીં.
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, રાજ્યમાં કાર્યરત કોચિંગ ક્લાસિસનો વ્યાપક ડેટાબેઝ રાખવા ઉપરાંત, સૂચિત વટહુકમ કોચિંગ સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે સુનિશ્ચિત કરશે. કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓની માનસિક સુખાકારી પર સૂચિત વટહુકમમાં વિશેષ ભાર મૂકવામાં આવશે.



