ગુજરાતનું એક મંદિર કે જ્યાં ભક્તોને મંદિરમાં જ આરોગવો પડે છે પ્રસાદ! CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દર્શન…

ગાંધીનગર: ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ભગવાન ઘંટાકર્ણ મહાવીરની આરતી અને પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડીની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા હતા.
મહુડી તીર્થનું વિશેષ મહત્ત્વ
ગાંધીનગરથી લગભગ ૩૫ કિલોમીટરના અંતરે આવેલું મહુડી ગામ જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ તીર્થક્ષેત્ર જૈનોનાં ૨૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તેનું વિશેષ મહત્ત્વ છે. લગભગ બે કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા આ ભવ્ય જૈન મંદિર સંકુલમાં ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે.
જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે. અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજીની સાથે પદ્માવતી માતાનાં મંદિરોનો મહિમા પણ મોટો છે. તહેવારો અને રજાઓના દિવસે જૈન તેમજ જૈનેતર સમાજના હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું આગવું મહત્ત્વ રહેલું છે. આ દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવવામાં આવે છે અને તેને જ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. ખાસ નોંધવું કે આ પ્રસાદનો એવો નિયમ છે કે તેને અહી મંદિર પરિસરમાં જ ખાવી પડે છે તેને મંદિરની બહાર લઈ જઈ શકાતી નથી.
આ પણ વાંચો…ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ Palitana ના વિકાસને વેગ મળશે, સરકારે 52 કરોડ મંજૂર કર્યા