Vadodara જિલ્લાના વિકાસને મળશે વેગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 507.94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
અમદાવાદઃ ગુજરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે વડોદરાની મુલાકાત લીધી હતી. વિકાસ સપ્તાહ નિમિત્તે મુખ્યપ્રધાનની વડોદરા(Vadodara)શહેર જિલ્લા માટે વિકાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના નાગરિકોને દિવાળી પૂર્વે રૂપિયા 507.94 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, નાગરિકો માટે સુખાકારીની સુવિધા ઊભી કરવા સરકાર કટિબદ્ધ છે. એક સમયે ગુજરાત ઉપર વોટર ડેફિસિએટ સ્ટેટનું બિરૂદ દૂર કરી હવે રાજ્યે હવે જળક્રાંતિ સર્જી છે અને વોટર સરપ્લસ સ્ટેટનું માન મેળવ્યું છે.
ગુજરાતમાં સતત વિકાસ
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત વિકાસના સતત નવા નવા આયામો સર કરી રહ્યું છે. એક સમયે ગુજરાતમાં પાણીની ભારે અછત હતી. ઘરની માતા અને બહેનોને પાણી માટે માથે બેડા લઈ સીમમાં ભટકવું પડતું હત્તું. આ સમસ્યાનું નિરાકરણ મહી, નર્મદા આધારિત સૌની યોજના, સુજલામ સુફલામ્ યોજના થકી લાવવામાં આવ્યું છે.
મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કર્યું
સાવલીના કનોડા ગામેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કુલ રૂપિયા 507.94 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં સાવલી તાલુકાના કનોડા-પોઇચા ગામે નર્મદા અને કલ્પસર પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂપિયા 412 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે નિર્માણ પામનારા મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
સાવલીના 34 અને ઉમરેઠના 15 ગામોને લાભ મળશે
આ પરિયોજનાથી સાવલી તાલુકાના 34 ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના 15 ગામોને લાભ મળશે. સાવલી નગર તેમજ આજુબાજુના 40 જેટલા ગામોની આશરે 77000 જેટલી વસ્તી માટે પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધિ વધુ સુગમ બનશે. આવિયરથી 49 જેટલાં ગામોના આશરે 490થી પણ વધારે કુવાઓ રિચાર્જ થશે. આ ઉપરાંત 210 કામોનું લોકાર્પણ અને અન્ય 257 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમાં સાવલી એસટી ડેપોના વર્કશોપના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે.