આપણું ગુજરાત

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ કોને જમવાનું પીરસ્યું?

અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા દરે ભરપેટ ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદથી શરૂ કરીને રાજ્યભરમાં કુલ 155 ભોજન કેન્દ્રોનો સ્થાપવામાં આવ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં સીએમ સાથે શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂત તેમજ શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભોજન પણ પીરસ્યું હતું. સીએમએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગરીબો, વંચીતો, પીડિતો અને છેવાડાના માનવીઓના હિતોને વરેલી સરકાર છે. તેમણે દરેક યોજનાઓમાં અંત્યોદય ઉત્થાનનો ભાવ કેન્દ્રસ્થાને રાખ્યો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે બાંધકામ સાઇટ પર આરોગ્ય સુવિધાઓ માટે ધનવંતરી રથની સુવિધાની સરાહના કરી હતી. બાંધકામ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના અન્વયે અપાતા ભોજનની ગુણવત્તા અને નિયમિતતા જળવાઈ રહે તે માટે પણ સીએમએ અનુરોધ કર્યો હતો.

સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button