ગુજરાતમાં સીએમ Bhupendra Patelની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ, મેળવી આ સિદ્ધિઓ

અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13મી સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ત્રણ વર્ષમાં 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબિને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ‘ટીમ ગુજરાત’એ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. મુખ્યપ્રઘાનના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓમાં ગુજરાત આત્મનિર્ભર પોલિસી, ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી, નવી ગુજરાત IT/ITes પોલિસી, ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી, ગુજરાત સેમિકંડક્ટર પોલિસી, ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી, સિનેમેટિક ટુરિઝમ પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0), ગુજરાત ખરીદ નીતિ, ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024 નો સમાવેશ થાય છે.
છેલ્લા બે વર્ષમાં કૃષિ અને આત્મનિર્ભર ખેડૂતો સહિતની યોજનાઓ શરૂ કરી
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં સુધારેલી કૃષિ અને આત્મનિર્ભર ખેડૂતો, વેપાર-ઉદ્યોગમાં નેતૃત્વ, આરોગ્ય-શિક્ષણ અને સલામતી દ્વારા મહિલા સશક્તિકરણ, સક્ષમ યુવાનો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ઉજ્જવળ આવતીકાલનું નિર્માણ, ગરીબોના જીવન માટે સન્માન, વંચિતોનો વિકાસ, શહેરો અને ગામડાઓમાં રહેવાની સરળતા, સ્વસ્થ ગુજરાત-શક્ત ગુજરાત દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. બીજી તરફ ચાર મહિના પહેલા લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26માંથી 25 બેઠકો મેળવેલ તેમજ ધારાસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી જીતી છે.
13મી સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેનો જન્મ 15મી જુલાઈ 1962ના રોજ થયો હતો. વ્યવસાયે બિલ્ડર છે અને શીલજ વિસ્તારના રહેવાસી છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં
“દાદા”ના નામથી જાણીતા છે. વર્ષ 2021માં 12 મી સપ્ટેમ્બરે રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી અને 13મી સપ્ટેમ્બરે તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા