બોલો…Gujaratમાં Class 1 અધિકારીનું અપહરણ થયું ને…
અમદાવાદઃ ગુજરાતમાં ક્લાસ-1 અધિકારીના અપહરણનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધોળે દિવસે એક સરકારી અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું.
સરકારી અધિકારી રજા પર ગાંધીનગર ખાતે તેમના ઘરે પહોંચ્યા હતા. આ પછી તેઓ કોઈ કામના સંદર્ભે હિંમતનગર જવા નીકળ્યા હતા. તે ગિયોડ પાસે પહોંચ્યા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું ને રૂ. 50 લાખની રકમ ખંડણીપેટે માગવામાં આવી હતી. અપહરણકર્તાએ એ અધિકારીને મહેસાણા અને ગાંધીનગરની આસપાસ ફરાવતા રહ્યા. પચાસ લાખ રુપિયાની આપવા પણ જણાવ્યું અને એમ નહીં કરવાથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, આ હાઈ પ્રોફાઈલ કેસમાં પોલીસની એન્ટ્રી પછી પછી અધિકારીને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા હતા. અધિકારીની ઓળખ રમણલાલ વસાવા તરીકે કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને બપોરે 1.30 કલાકે અપહરણ અંગે બાતમી મળી હતી. જે બાદ પોલીસે ચિલોડાથી ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે અપહરણકારોને શોધવા માટે તેમના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. આ સાથે પોલીસે અપહરણકારોની કાર રોકીને અધિકારીને મુક્ત કરાવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને અપહરણકર્તા, રોહિત ઠાકોર અને બુધા ભરવાડની ધરપકડ કરી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અધિકારી થોડા સમય બાદ નિવૃત્ત થવાના છે અને તેમને નિવૃત્તિ બાદ સારી રકમ મળવાની છે, આથી અપહરણ થયાની શક્યતા છે. પોલીસને કોઈ જાણભેદું હોવાની આશંકા છે અને તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.