ગુજરાતમાં ધોરણ 10ના 28.2% વિદ્યાર્થીઓ શાળા છોડે છે, શિક્ષણ પ્રધાને આપ્યા આંકડા

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં રજુ કરેલા આંકડા અનુસાર, શૈક્ષણિક વર્ષ 2021-22 દરમિયાન ધોરણ 10 ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેટ 20.6 ટકા હતો. સૌથી વધુ ડ્રોપઆઉટ રેટ ઓડિશા રાજ્યમાં નોંધાયો હતો. ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ 28.2% નોંધાયો હતો. લેખિત જવાબમાં, કેન્દ્રીય શિક્ષણ પ્રધાને લોકસભાને માહિતી આપી હતી કે 1,89,90,809 વિદ્યાર્થીઓ 2022 માં ધોરણ 10 ની પરીક્ષા આપી હતી, જેમાંથી 29,56,138 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
ડીએમકે સાંસદ કલાનિધિ વીરસ્વામીએ પ્રશ્ન પૂછ્યો હતો કે શું સરકાર એ વાતથી વાકેફ છે કે લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10માં શિક્ષણ છોડ્યું છે?
પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી માહિતી મુજબ વર્ષ 2021-22 માટે ધોરણ 10માં ડ્રોપઆઉટ રેટ ઓડિશામાં 49.9 ટકા અને બિહારમાં 42.1 ટકા નોંધાયો હતો, મેઘાલયમાં 33.5%, કર્ણાટકમાં 28.5%, આંધ્રપ્રદેશ અને આસામમાં 28.3% અને તેલંગાણામાં 27.4%નો ડ્રોપઆઉટ રેટ નોંધાયો હતો. ત્યારે ગુજરાતમાં 28.2% નો ડ્રોપઆઉટ રેટ નોંધાયો હતો.
પ્રધાને જણાવ્યું કે, વીદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થવાના કારણો વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે, શાળાઓમાં ન આવવું, શાળાઓમાં સૂચનાનું પાલન કરવામાં મુશ્કેલી, અભ્યાસમાં રસનો અભાવ, પ્રશ્નપત્રની મુશ્કેલીનું સ્તર, ગુણવત્તાયુક્ત શિક્ષકોનો અભાવ, શિક્ષકોનો અભાવ, માતાપિતા, શિક્ષકો અને શાળાઓ તરફથી સમર્થન નો અભાવ.
10 ટકાથી ઓછો ડ્રોપઆઉટ રેટ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (9.2 ટકા), ત્રિપુરા (3.8 ટકા), તમિલનાડુ (9 ટકા), મણિપુર, મધ્યપ્રદેશ (9.8 ટકા), હિમાચલ પ્રદેશ (2.5 ટકા), હરિયાણામા(7.4 ટકા) અને દિલ્હી (1.3 ટકા)નો સમાવેશ થાય છે.
ડ્રોપઆઉટ રેટ બાબતે આસામે છેલ્લા ચાર વર્ષમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે, આસામમાં ડ્રોપઆઉટ રેટ 44 ટકાથી ઘટી 28.3 ટકા થયો છે. ઓડિશામાં નકારાત્મક વલણ જોવા મળ્યું, આ જ સમયગાળા દરમિયાન ઓડીશામાં ડ્રોપઆઉટ દર 12.8 ટકાથી વધીને 49.9 ટકા થયો.