આપણું ગુજરાત

ગુજરાતમાં એક વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ…

અમદાવાદઃ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સતત કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રીસર્ચ સેન્ટર એક જ વર્ષમાં ૫૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર દેશની એકમાત્ર પબ્લિક સેક્ટર હોસ્પિટલ બની હોવાનું સરકારે જણાવ્યું હતું.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં નવેમ્બર 2024 સુધીમાં કુલ 400 અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા,જ્યારે વર્ષ 2025માં માત્ર 7 ઓક્ટોબર સુધીમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટનો આંકડો 400 સુધી પહોંચી ગયો હતો. વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 500 પર પહોંચી છે, જે તબીબી દૃષ્ટિએ જોઈએ તો એક નોંધપાત્ર રેકોર્ડ છે.

આ 500 ટ્રાન્સપ્લાન્ટમાં 367 પુરુષો અને 133 મહિલાઓનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ સેવાનો લાભ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, તેમાં 330 દર્દીઓ ગુજરાતના અને 170 દર્દીઓ અન્ય રાજ્યોના છે.

ટેકનોલોજીની દૃષ્ટિએ વર્ષ 2025ના કુલ આંકડામાં 157 કેડેવર ટ્રાન્સપ્લાન્ટ, 90 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ, 49 બાળકોના પિડિયાટ્રિક ટ્રાન્સપ્લાન્ટ અને 43 રોબોટિક ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. આધુનિક ટેકનિક અને કુશળ તબીબોના સમન્વયથી આ જટિલ ઓપરેશન્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું સરકારે જણાવ્યું હતું.

આર્થિક રીતે નબળા દર્દીઓ માટે પણ આ ઇન્સ્ટિટ્યૂટ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કુલ ટ્રાન્સપ્લાન્ટમાંથી 318 જેટલા ઓપરેશન આયુષ્માન ભારત યોજના હેઠળ કરવામાં આવ્યા છે.જોકે કિડનીના રોગ વધતા જાય છે તે ચિંતાનો વિષય છે અને જીવનશૈલીમાં યોગ્ય ફરેફારો કરી આવા રોગથી લોકોએ બચવું જોઈએ.

આ પણ વાંચો…કિડની ટ્રાન્સપ્લાન્ટના દરદીઓમાંથી 70 ટકા યુવાનો, રોગીષ્ટ બની રહી છે નવી પેઢી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button