ગુજરાતમાં કોલેરાનો કહેર, ત્રણ મહિનામાં 60 કેસ, ત્રણ લોકોનાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થતાં જ કેટલાક શહેરોમાં પાણીજન્ય બિમારીઓમાં વધારો નોંધાતો હોય છે, જ્યારે આ વર્ષે પણ હજુ ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે બાળકોથી લઇ મોટેરાઓમાં પણ કોલેરા કેસોમાં વધારો( Cholera in Gujarat) નોંધાયો છે. રાજ્યમા છેલ્લા ત્રણ મહિનામાં કોલેરાના 60 જેટલા કેસ નોંધાયા છે જ્યારે ત્રણ જેટલા દર્દીનાં મોત થયા છે. દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગે તાજેતરમાં જ તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓ, સાધનો રાખવા આદેશ આવ્યા છે.
રાજ્યમાં ગાંધીનગર આણંદ, વડોદરા, રજકોટ સહિતના શહેરમાં કોલેરા ફેલાઈ રહ્યા છે. સૌથી વધુ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા હતા. મૃતકોમાં રાજકોટ, બનાસકાંઠાના દર્દી સામેલ છે, આ ઉપરાંત અન્ય એક દર્દી ગાંધીનગરનો છે. જેમાં કારણે તંત્ર એક્શનમાં આવ્યું હતુ આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્યમાં ત્રણ મહિનામાં કોલેરના 60 જેટલા કેસ નોંધાય છે. તબીબોના મતે કોલેરામાં જે તે દર્દીને ઝાડા-ઊલટી થાય છે, પાણીના અભાવે ડિહાઇડ્રેશનની તકલીફ થઈ શકે છે, જો યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો દર્દીનાં મોત થતાં હોય છે.
કોલેરા બેક્ટેરિયા ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. બીજીતરફ સૂત્રો કહે છે કે, રાજ્યના કેટલાક શહેરી ક્ષેત્રોમાં જે તે વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે લોકલ બોડી સમક્ષ રજૂઆતો થઈ રહી છે, વડોદરામાં લોકોએ એવી ફરિયાદ કરી છે કે, કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરાતાં નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસાની સીઝનમાં કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતા પિતા-પુત્ર અને એક બાળકી સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. તંત્રએ લિકેઝ પાઇપલાઇન રિપેર નહીં કરાવતાં 100થી વધુ લોકો ઝાડા-ઉલ્ટીમાં સપડાયાં હતાં. જેનાં પગલે બે કિ.મી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવો પડ્યો હતો. ત્યારે હવે ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોલેરાના કેસોમાં ઉછાળો આવતાં લોક ફફડ્યા છે.