ગુજરાતના મુખ્ય પ્રધાન, ભાજપ પ્રમુખ અને એક ઉચ્ચ અધિકારીને દિલ્હીનું તેડું: અનેક અટકળો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હી દરબારમાંથી અચાનક તેડું આવતા દિલ્હી દરબારમાં હાજર થશે. શનિવારે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ છે અને ભાજપનાં રણનીતિકાર અને ચાણક્ય તરીકે જાણીતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મેચ જોવા માટે અમદાવાદ આવવાના છે તેવા સમયે અચાનક દિલ્હી હાજર થવાનું ફરમાન આવતાં ગુજરાત ભાજપના ઉચ્ચ હોદ્દેદારો સહિતનાં રાજકીય વર્તુળોમાં આ બેઠક અને તેમાં થનારી ચર્ચા અંગે અટકળો થવા લાગી છે.
દિલ્હીથી સી આર પાટીલ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને હાજર થવાનું તાકીદનું તેડું આવ્યું અને સાથે કે. કૈલાશનાથનને પણ બોલાવ્યા હોવાના કારણે રાજકીય અટકળોનું બજાર તેજ જોવામાં આવી રહ્યું છે.
કે કૈલાશનાથન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અને બ્યુરોક્રશી પર મજબૂત પકડ ધરાવતા નોન પોલિટિકલ પર્સન કહી શકાય પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની અનેક રાજકીય રણનીતિ અને મહત્ત્વની પ્રજાલક્ષી અને વિકાસલક્ષી યોજનાના અમલીકરણમાં તેઓ સારી હથોટી ધરાવે છે.
રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ દિલ્હી જઇ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે બેઠક યોજશે. બેઠકમાં સંગઠન અને સરકારની કામગીરી અંગે ચર્ચા થવાનું જાણવા મળી રહ્યું છે. સાથે સાથે લોકસભા ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠનમાં કેટલાક ફેરફારની સંભાવના પણ જોવામાં આવી રહી છે. બેઠકમાં કેટલાંક વિકાસ કાર્યો મુદ્દે પણ ચર્ચા થશે. કે કૈલાશનાથનને પણ સાથે બોલાવવામાં આવ્યા હોવાનાં કારણે ગુજરાત બ્યુરોક્રસીમાં પણ ફેરફારની શક્યતા જોવામાં આવી રહી છે.