આપણું ગુજરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગુજરાતે વિવિધતાસભર કાર્યક્રમોથી ઉજવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં અનેક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય પ્રધાને પૂજા કરીને વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વડા પ્રધાનના ૭૩મા જન્મદિનને અનુલક્ષીને ૭૩ રોપા વાવ્યા હતા. કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અમદાવાદ સોલા સિવિલ હૉસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો શુભારંભ થયો હતો. આ સાથે જ રાજકોટમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

તો બીજી તરફ વડા પ્રધાનના વતન વડનગરના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના ઉપરાંત રક્તદાન કેમ્પ, આંખ નિદાન અને સારવાર કેમ્પ, પોષણ કિટનું વિતરણ, લોક ડાયરો, ૭૩ કિલો સુખડીનું વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું.

સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની અમૃતમ સંસ્થા દ્વારા જે માતાને ધાવણ ન આવતું હોય તેમ જ અનાથ નિરાધાર બાળકોને મદદરૂપ થવા મિલ્ક ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં ૧૫૦ જેટલી મહિલાઓએ પોતાના ધાવણનું દાન કરી માતા યશોદાની ભૂમિકા ભજવી હતી. તેમ જ સુરતના વેસુ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય બાળકીએ તમામ સરકારી યોજનાઓની માહિતી ધરાવતા ફ્લેશ કાર્ડ બનાવી વડા પ્રધાનને જન્મદિવસની ભેટ આપી હતી. ઉપરાંત ખટોદરા વિસ્તારમાં આવેલા આશ્રમ ખાતે સંતો-મહંતો દ્વારા હવન-યજ્ઞ અને મૃત્યુંજય જાપ કરી તેમના લાંબા દીર્ઘાયુની કામના કરવામાં આવી હતી. યાત્રાધામ અંબાજી ખાતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તિરંગા યાત્રા યોજી એક વિશાળ આકારની મોહનથાળની કેક કાપી એકબીજાનું મીઠું મોઢું કરાવ્યું હતું. તો મોરબીમાં ભાજપ આગેવાનોએ ૭૩ મણની સુખડી બનાવીને પાંજરાપોળની ગાયોને ખવડાવી વડા પ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button