ગુજરાતનું પ્રધાનમંડળ અયોધ્યાની મુલાકાત લેશે, કેબીનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર: આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે રાજ્ય સરકારના પ્રધાનમંડળના સભ્યો Ayodhya Ram mandirની મુલાકાત લેશે. લગભગ 24 અથવા 25 ફેબ્રુઆરીના રોજ સીએમ સહિત પ્રધાનમંડળના સભ્યો પ્રભુ શ્રીરામના દર્શન કરશે. અયોધ્યામાં રામ લલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ રામમંદિરના દર્શન માટે ઉમટી રહ્યા છે. મંગળવારે સવારે દર્શનાર્થીઓની બેકાબૂ ભીડને પગલે નાનીમોટી ઇજાના પણ સમાચારો સામે આવ્યા હતા, સુરક્ષા સામે પણ જોખમ ઉભુ થતા વહીવટીતંત્રે પણ વ્યવસ્થા વધુ મજબૂત કરવી પડી હતી. મંદિર પરિસરની સુરક્ષા જાળવવા 8 હજાર પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હવાઇ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા પહોંચેલા દર્શનાર્થીઓને ધીરજ અને શાંતિ જાળવવા તેમજ સ્થાનિક તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રામ લલ્લા ભક્તોને દરરોજ 12 કલાક દર્શન આપશે. સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તેઓ દર્શન આપશે. ભગવાનના ભોજન અને આરામના સમયમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે.