પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, પણ દાદાની નવી ટીમમાં રાજકોટ થયું સાઇડલાઇન | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, પણ દાદાની નવી ટીમમાં રાજકોટ થયું સાઇડલાઇન

ગાંધીનગરઃ ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણને પગલે ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રધાનમંડળ હવે જમ્બો કદનું બની ગયું છે. આ વિસ્તરણ બાદ પ્રધાનોની સંખ્યા 16થી વધીને 25 થઈ હતી. આ નિર્ણય દ્વારા સરકારે મહત્તમ ધારાસભ્યોને વહીવટી અનુભવ આપવાનો અને પ્રાદેશિક તેમજ જ્ઞાતિગત સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો હતો.

સૌરાષ્ટ્રના બે કોળી નેતાઓ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા અને રાજયપ્રધાન પરસોતમ સોલંકીનું સ્થાન યથાવત રાખવામાં આવ્યું હતું. જામનગરના રીવાબા જાડેજા, પોરબંદરના અર્જુન મોઢવાડીયા, અમરેલીના કૌશિક વેકરીયા, કચ્છના ત્રિકમભાઇ છાંગા, મોરબીના કાંતિ અમૃતિયા, ભાવનગરના જીતુ વાઘાણી, કોડીનારના પ્રદ્યુમન વાજાને પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું હતું. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાંથી પ્રથમ ટર્મમાં કેબિનેટ પ્રધાન બનેલા ભાનુબેન બાબરીયાનું પ્રધાન પદ છીનવાયું હતું.

આ પણ વાંચો: પ્રધાનમંડળમાં મહિલા શક્તિને પ્રોત્સાહન, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન

સૌરાષ્ટ્રના પાટનગર અને ભાજપની પાઠશાળા જેવા રાજકોટ મહાનગરના પ્રતિનિધિત્વનો એકડો જ કાઢી નાંખવામાં આવ્યાની છાપ ઉપસી હતી. છેલ્લા સાડા છ દાયકામાં માત્ર ત્રીજી વખત રાજકોટમાંથી કોઇને પ્રધાન તરીકે લેવામાં આવ્યા નહોતા. કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની, રાજકોટના ધારાસભ્યને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવતા હતા.

ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા ગુજરાત ભાજપના નવનિયુકત પ્રમુખ જગદીશ પંચાલ રાજકોટ આવ્યા હતા અને ભાજપે રેસકોર્સ મેદાનમાં જોરદાર કાર્યકર સંમેલન યોજયું હતું. આ સંમેલનમાં પંચાલ રાજકોટ ભાજપ પર આફ્રિન પોકારી ગયા હતા. નવા જૂના નેતાઓને યાદ કરીને કાર્યકરોની મહેનતને સલામ કર્યા હતા. આ સંમેલનના બે દિવસમાં જ પ્રધાનમંડળમાંથી રાજકોટનું નામ દૂર થઇ જતા છેલ્લા લાંબા સમયથી ચાલતા જુથવાદ અને તે કારણે સરકાર અને કમલમમાં રાજકોટ ભાજપની છાપ સારી રહી નથી તે વાત પણ સાબિત થઇ હતી.

આ પણ વાંચો: ગુજરાત પ્રધાનમંડળમાં ફેરફાર: 10ને કેમ પડતા મૂકવામાં આવ્યા, 6 કેમ ટકી ગયા?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેર ભાજપ સંગઠનમાં અમુક લોકોના કારણે જુથવાદના મુળ ઉંડા થયા છે. માત્ર રાજકોટ નહીં સમગ્ર સૌરાષ્ટ્રની ચૂંટણીઓનું સફળ સંકલન કરનાર પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વિજય રૂપાણીની ખોટ હવે કાયમ સાલશે. વિજય રૂપાણી વગરની આ પ્રથમ ચૂંટણી આવવાની છે. પ્રધાનમંડળની રચનામાં પણ રાજકોટને કોઇ મહત્વ ન મળતા સંખ્યાબંધ નેતાઓને વિજય રૂપાણી યાદ આવ્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button