‘નરેન્દ્ર-ભૂપેન્દ્ર’ની જોડીમાં ‘સંઘવી’ની એન્ટ્રીઃ ચાર વર્ષ પછી ફરી CM-DyCMની જોડી સુકાન સંભાળશે, જાણો સંયોગ

ભાજપના ‘ગઢ’ ગુજરાતમાં અચાનક ‘સર્જરી’ કે ‘પ્રયોગ’ની ઈન્સાઈડ સ્ટોરી?
નવી દિલ્હી/ગાંધીનગરઃ બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમાવો આવી ગયો. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે ગઢ ગણાતા ગુજરાતમાં સરકારે અચાનક પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને બાજુ પર રાખીને તેમના પડખે વધુ એક નાયબ મુખ્ય પ્રધાનપદે હર્ષ સંઘવી બનાવીને રાજ્યમાં ફરી મુખ્ય પ્રધાન અને ડેપ્યુટી સીએમની જોડીને સત્તા મળી છે. હર્ષ સંઘવીને ગૃહ ખાતું પણ આપીને હાઈ કમાન્ડે નવો નિર્ણય લઈને દિવાળી સુધારી દીધી છે.
રુપાણી-નીતિન પટેલની જોડી પછી નવો પ્રયોગ

ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ફરી એક વખત સીએમની સાથે નાયબ મુખ્ય પ્રધાનની જોડી પાછી ફરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલના કાર્યકાળમાં કોઈ ડેપ્યુટી સીએમ હતા નહીં, પરંતુ વિજય રુપાણી સત્તામાં આવ્યા પછી નીતિન પટેલને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. બંનેની જોડી પણ લાંબી ચાલી, પરંતુ કોવિડ મહામારી પછી 2021માં સપ્ટેમ્બરમાં ભાજપે જોડીને હટાવી દીધી હતી. એના ચાર વર્ષ પછી ફરી એક વખત ગુજરાતમાં ભાજપે નવો પ્રયોગ કર્યો છે, જેમાં 40 વર્ષના યુવાન હર્ષ સંઘવીને સ્વતંત્ર પ્રભાર સાથે ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. સૌથી નાની ઉંમરના ડેપ્યુટી સીએમનો પણ એક રેકોર્ડ છે. બંને ડેપ્યુટી સીએમનો બીજો એક સંયોગ છે, કે બંનેની ઉંચાઈ પણ બહુ નાની છે.
આ પણ વાંચો: ગુજરાતના નવા પ્રધાનમંડળમાં ખાતાની ફાળવણી: કોને કયો વિભાગ મળ્યો?
જૈન-પાટીદાર પછી પાટીદાર-જૈનની જોડી યથાવત્

વિજય રુપાણી-નીતિન પટેલની જોડીમાં રુપાણી જૈન હતા, જ્યારે નીતિન પટેલ પાટીદાર હોવાથી ડેપ્યુટી સીએમ બનાવ્યા હતા. હવે પાટીદાર સમુદાયમાંથી ભૂપેન્દ્ર પટેલ સીએમ હતા અને જૈન સમુદાયમાંથી હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. મંત્રીમંડળમાં પંદર નવા ચહેરા છે, જેમાં નવા કુલ 19 મંત્રીમાં ચાર અગાઉથી મંત્રી રહી ચૂક્યા છે. આ સંજોગોમાં દરેકને તક આપી છે, પરંતુ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લગભગ ત્રણ વર્ષ પછી પહેલી વખત રિવર્સ ટ્રેન્ડ જોવા મળ્યું છે. સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે સૌથી નાની ઉંમરે એટલે 36 વર્ષે 2021માં ગૃહ રાજ્ય મંત્રી બનનારા હર્ષ સંઘવીએ સૌથી મોટી છલાંગ લગાવીને હવે ચાર વર્ષમાં તો ડેપ્યુટી સીએમ બન્યા છે.
ભાજપની ‘નો-રિપિટ’ ફોર્મ્યુલા સૌથી વધુ સફળ રહી
દિવાળી પહેલા ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ થયું અને ખાતા ફાળવણી પણ થઈ ગઈ છે. ગુજરાત તો ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા માનવામાં આવી રહી છે, જ્યાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે, પરંતુ 2021ના માફક કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. ભાજપને 2021નું પુનરાવર્તન યા સર્જરી કરવાની શા માટે જરુરી પડે એની વાત કરીએ. ભાજપની સૌથી મહત્ત્વની વાત નો-રિપિટ ફોર્મ્યુલા સૌથી વધુ સફળ રહી છે. સત્તા વિરોધી લહેરની સામે ભાજપ જૂના ચહેરાઓને હટાવીને નવા ચહેરાને તક આપીને વિપક્ષને પણ ઊંઘતી ઝડપે છે.
આ પણ વાંચો: પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, પણ દાદાની નવી ટીમમાં રાજકોટ થયું સાઇડલાઇન
વિપક્ષને રોકવા ભાજપની રાજકીય સર્જરી

ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે. ગુજરાતની સત્તામાં ભાજપ પહેલી વખત 1995માં આવ્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધીમાં દબદબો ધરાવે છે. ત્રણ દાયકાથી તો નરેન્દ્ર મોદીના નામ અને કામ પર ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે, જ્યારે 2027 વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પાર્ટી જુગટું રમ્યું છે.
આગામી વર્ષે પાલિકાની ચૂંટણીઓને કારણે પણ પાર્ટી કોઈ જોખમ લેવા ઈચ્છતું નથી, તેથી પક્ષે અચાનક જમ્બો કેબિનેટ આપીને તમામ પ્રદેશ (સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત)ના લોકોને ખુશ કર્યા છે. 2022ની ચૂંટણીમાં જીત્યા પછી મિનિ કેબિનેટ પછી જમ્બો કેબિનેટથી ‘દાદા’ પણ સૌને સાથે લઈ ચાલી શકશે. સામે પક્ષે પાર્ટીમાં નારાજગીના સૂર પણ ઊભા થઈ શકે છે, પરંતુ જૂની કરતા નવી કેબિનેટ મોટી છે, તેથી જૂના પણ સચવાઈ જશે. પાટનગર દિલ્હીમાં આમ આદમી પાર્ટીને સત્તામાંથી બહાર કરનાર ભાજપના ગઢમાં આપે પાર્ટીના નેતાઓના નાકમાં દમ કરી નાખ્યો છે. આપ અને કોંગ્રેસને રોકવા માટે ભાજપએ રાજકીય સર્જરી કરી હોવાનું પણ સૂત્રોનું માનવું છે. છેલ્લે મહત્ત્વની વાત જેમ ચારેય પ્રદેશના માફક જાતિવાદી કાર્ડ રમીને પણ ‘સબ કા સાથ સબ કા વિકાસ’ સૂત્રના માફક સરકારે આગામી ચૂંટણીઓ જીતવાનું પાસું ફેંક્યું છે, જે કાર્યકરોના માફક જનતાને સમજાઈ શકે.