ગુજરાતમાં ‘દાદા’ની કેબિનેટ વિસ્તરણ નિશ્ચિત: નવા ચહેરાઓને મળશે સ્થાન…

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો ઘણા સમયથી લગાવવામાં આવી રહી હતી જે હવે સાચી પડતી જણાય છે. રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી ત્રીજા અઠવાડિયે પ્રધાન મંડળનો વિસ્તાર કરી શકે છે.
સૂત્રોનું માનીએ તો હાલના માત્ર ત્રણથી ચાર પ્રધાનોને જ નવી કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના છે, જ્યારે બાકીના તમામ પ્રધાનો બદલાઈ શકે છે. આ નિર્ણય સાથે સરકારમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, જે રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે. સૂત્રો મુજબ હાર્દિક પટેલ, રીવાબા જાડેજા, દર્શના શાહ, મહેશ કસવાલા જેવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
કોને મળી શકે છે પ્રાધાન્ય
પ્રારંભિક જાણકારી પ્રમાણે, પ્રધાન મંડળમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ સાથે જ, રાજ્યમાં 27 ટકા ઓબીસી અનામતને ધ્યાને રાખીને કેબિનેટની વર્તમાન રચનામાં ફેરફાર થશે. આ સાથે જ કચ્છ, મોરબી, વડોદરા, જામનગર જેવા જિલ્લામાં અને આદિવાસી વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
કેબિનેટમાં યુવા ચહેરાઓને સ્થાન આપવાની યોજનાએ પણ ઝડપ પકડી છે, જે ભવિષ્યમાં ભાજપના પ્રભાવને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અને રાજ્યમાં પક્ષના વધતા પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ચૂંટણીપર્વ પહેલા સરકારમાં ફેરફાર કરીને નવા પ્રધાનોની પસંદગી થવી નક્કી છે.
જગદીશ વિશ્વકર્મા ભજવશે મહત્ત્વની ભૂમિકા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પસંદગી પ્રધાન મંડળ વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિશ્વકર્મા જૂથ અને સંગઠનમાં તેમની ખૂબીને કારણે, તેમના પસંદગી કરેલા પ્રધાનોની યાદી નવી કેબિનેટની રચનામાં અગત્યની બની શકે છે.
આ પણ વાંચો…ગુજરાત ભાજપના ‘મહારથી’ જગદીશ પંચાલ, આવતીકાલે રેલી સાથે કમલમ પહોંચી સંભાળશે પદભાર…