ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણનો ધમધમાટ શરૂ થયો, રાજ્યપાલ પ્રવાસે ટૂંકાવ્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ રાજ્યમાં ગમે ત્યારે પ્રધાનમંડળ બદલાશે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ, આવતીકાલે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં નબળી કામગીરી કરનારા પ્રધાનોના રાજીનામા લેવામાં આવી શકે છે. જે બાદ નવા પ્રધાનમંડળની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ અનિવાર્ય રીતે ટૂંકાવવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યપાલ તેમના વતન કુરુક્ષેત્રના પ્રવાસે છે. કુરુક્ષેત્રનો પ્રવાસ 16 ઓક્ટોબર સુધીનો હતો. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આજે રાત સુધીમાં ગાંધીનગર પરત ફરી શકે છે. જેથી આવતીકાલે અથવા શુક્રવાર સુધીમાં નવું પ્રધાનમંડળ જાહેર થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા પ્રધાનમંડળની ભવ્ય શપથવિધિનો કાર્યક્રમ મહાત્મા મંદિર અથવા વિધાનસભા બહારના પટાંગણમાં યોજાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના વધતા જોરને ધ્યાનમાં રાખીને પાર્ટી પાટીદાર નેતાઓને સમાવેશ કરી છે. જેમાં જયેશ રાદડીયા, મહેશ કસવાલાનું નામ અગ્રેસર છે. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા તથા રિવાબા જાડેજાને પણ સૌરાષ્ટ્રમાંથી સ્થાન મળી શકે છે.
આ પણ વાંચો: Video: ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે મોહન ભાગવત બે દિવસના પ્રવાસે પહોંચતા અનેક તર્ક વિતર્ક…
દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા જયરામ ગામીતને સ્થાન મળી શકે છે. વડોદરામાંથી કેયુર રોકડિયા અથવા બાલુ શુકલાને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. ઓબીસી સમાજના અગ્રણી નેતા અલ્પેશ ઠાકોરને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. જોકે પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળીને વિરમગામથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલની પણ સરપ્રાઈઝ એન્ટ્રી થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યમાં થઈ રહેલી એક ચર્ચા મુજબ, જિતુભાઈ પટેલને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. પૂર્વ પ્રમુખ અને પૂર્વ પ્રધાન જિતુભાઈ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે પ્રધાનમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વના પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રધાનમંડળનું વિસ્તરણ હાલ પૂરતું નહીં: દિવાળી પહેલા ફેરબદલની શક્યતા નહિવત્
આ ઉપરાંત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક વરિષ્ઠ અને ભૂતપૂર્વ નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. આ નારાજ નેતાઓએ પોતાના વિસ્તારમાં વ્યક્તિગત કાર્યાલયો ખોલી દીધા છે અને તેઓ હવે 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ નેતાઓ આગામી ચૂંટણીમાં પક્ષપલટો કરીને ભાજપના જ વર્તમાન ધારાસભ્યો સામે ચૂંટણી લડવા માટે ઉત્સાહિત છે. ટૂંકમાં, ભાજપના જ જૂના નેતાઓ હવે પક્ષમાં રહીને કે પક્ષ છોડીને વર્તમાન નેતાઓ સામે પડકાર ઊભો કરવા માટે તૈયાર થઈ રહ્યા છે તેથી આવા લોકોને કંટ્રોલ કરી શકે તેવા મજબૂત નેતાઓને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.
બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર અને મુકેશ પટેલ ગુજરાત સરકારના પ્રધાનો છે, પરંતુ તેમના પર લાગેલા વિવિધ આરોપો અને કૌભાંડોના કારણે તેમનું મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થવાની શક્યતા છે, એમ રાજકીય વર્તુળોએ દાવો કર્યો હતો.
હાલમાં રાજ્ય સરકારમાં મુખ્ય પ્રધાન ઉપરાંત 16 પ્રધાનો છે – જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના પ્રધાનો છે. પ્રધાન મંડળની મંજૂર કરાયેલી સંખ્યા 27ની સામે આ સંખ્યા ઓછી છે.