વાઇબ્રન્ટ ગુજરાત: બુલેટ ટ્રેન મુદ્દે રેલવે પ્રધાને લોકોને શા માટે પૂછ્યું ખુશ હોના?

ગાંધીનગર: ગાંધીનગર ખાતે ૧૦મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે. દેશ-વિદેશના મહાનુભાવો ઉદ્યોગપતિઓ અને મહેમાનો સાથે અહીં કેન્દ્રીય પ્રધાનોની પણ આવરજવર રહે છે ત્યારે આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એમઓયુ સાઇન કરવાના કાર્યક્રમમાં યુનિયન ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા. અશ્વિની વૈષ્ણવ રેલવે પ્રધાન પણ છે આથી તેમને થોડી ઘણી વાત બુલેટ ટ્રેન વિશે પણ કરી હતી. બુલેટ ટ્રેન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેન માટે ગુજરાતની સરકારે ઝડપી કામ કર્યું છે અને તેના માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સાથે તેમણે એવી જાહેરાત કરી હતી કે વર્ષ 2026માં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. તેમની આ જાહેરાત બાદ લોકોએ તાળીઓ પાડીને વધાવ્યા હતા ત્યારે તેમણે લોકોને કહ્યું હતું કે “ખુશ હોના?” તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને મુંબઈને બુલેટ ટ્રેનથી જોડવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ ખૂબ ઝડપી ગતિથી કામ કરી રહ્યો છે. આવનાર વર્ષ 2026માં બુલેટ ટ્રેન નો પહેલા તબક્કામાં સુરતથી બીલીમોરા વચ્ચે શરૂ થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના એક અહેવાલ અનુસાર બુલેટ ટ્રેન માટેનું જમીન સંપાદનનું કામ 100 ટકા પૂરું થઈ ગયું છે અને કુલ 24 નદીઓ પર પુલ બનાવવાના કામમાં છ નદી ઉપરના પૂરનું કામ પૂરું થઈ ગયું છે, જ્યારે નર્મદા તાપી મહી અને સાબરમતી અન્ય નદીઓ પર કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન એ ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને જાપાનીઝ કંપની સાથે ભારત આ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.