Gujarat Budget: ખેડૂતો અને પશુપાલકો માટે ગુજરાત બજેટમાં શું થઈ મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદા?

Gujarat Budget 2025: નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ક્રિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણ મર્યાદા ₹ ૩ લાખથી વધારી ₹ પાંચ લાખ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગીર ગાયના સંવર્ધનની પણ જાહેરાત થઈ હતી.
કિસાન સૂર્યોદય યોજનામાં ₹ ૨૧૭૫ કરોડની ફાળવણી
બજેટ રજૂ કરતી વખતે નાણા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશાં સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા અમે દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭ ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹ ૨૧૭૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા વધારીને પાંચ લાખ કરવામાં આવી
સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની ૧૮ લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા સામે ૧૭.૨૨ લાખ હેક્ટર સિંચાઇ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે. કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹ ૩ લાખથી વધારી ₹ ૫ લાખ કરવામાં આવેલ છે. જેનો પૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જે અંતર્ગત ૪ ટકા વ્યાજ રાહત આપવા માટે ₹ ૧,૨૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે.
આ પણ વાંચો…Gujarat Budget 2025: અમદાવાદમાં સ્થપાશે AI લેબ, જાણો શિક્ષણને શું મળ્યું
ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે ₹ ૫૦૦ કરોડની જોગવાઇ
ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે ₹ ૫૦૦ કરોડની જોગવાઇ. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે ₹ ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો…Gujarat Budgetમાં મહિલાઓને શું મળ્યું? કઈ નવી જાહેરાત થઈ, જાણો
મત્સ્ય ઉત્પાદન પર પણ ભાર
બજેટમાં ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા ખેતીની સાથે સાથે મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નાણા પ્રધાને કહ્યું, મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં ₹૧૬૨૨ કરોડના પેકેજની જોગવાઇ કરવામાં આવી છે. જે થકી અંદાજે કુલ ૨૭ હજાર યાંત્રિક-બિનયાંત્રિક બોટ અને ૨ લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે. જેમાં મુખ્યત્વે માછીમારી માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને નિકાસ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ
મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આથી ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે. સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઇ કરવામાં આવી છે. જેનો લાભ ૧ લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે. પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઇ રહેલ છે.
ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે. જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મ ભૂમિ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની ૧૧ લાખથી વધુ મહિલા પશુપાલકો સ્વ-રોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહી છે.