Gujarat Budgetમાં મહિલાઓને શું મળ્યું? કઈ નવી જાહેરાત થઈ, જાણો

ગાંધીનગરઃ ગુજરાતનું ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે રજૂ કર્યું હતું. ગુજરાતમાં ત્રણ લાખ સરકારી આવાસની જાહેરાત કરવામાં આવી હતી. પોષણલક્ષી યોજના માટે રૂ. ૮૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે ૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ ITIને અપગ્રેડ કરવા માટે ૪૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. મહિલાઓ માટે પણ ગુજરાત બજેટમાં અનેક જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત બજેટમાં મહિલાઓ માટે શું થઈ જાહેરાત
નાણા પ્રધાને બજેટ રજૂ કરતી વખતે કહ્યું, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. નમો લક્ષ્મી યોજના થકી ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત ૬૮ હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી છે. મહિલાઓને પગભર કરવા માટે નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે.
Also read: બજેટમાંથી ગુજરાત માટે શું જાહેરાતો કરવામાં આવી?
મહિલાઓની આત્મનિર્ભરતા નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી. જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે. પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા રાજ્ય સરકારની પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ.
“જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪ કરોડ ૪૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹૫૦ હજારથી ₹૨ લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹૨ લાખથી ₹૪ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરું છું. ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.