Gujarat Budget 2025: નાણા પ્રધાન કનુ દેસાઈ ચોથી વખત રજૂ કરશે બજેટ

ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભામાં (gujarat assembly) રાજ્યનું બજેટ રજૂ થશે. નાણા પ્રધાન કનુ દેસાઈ (finance minister kanu desai) ચોથી વખત બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં કૃષિ (agriculture budget), શિક્ષણ (education budget), આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
પેપરલેસ બજેટ રજૂ કરાશે
આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.
Also read: ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ ૧૧૫ કરોડનું હતું
ગત વર્ષનું બજેટ કેટલા કરોડનું હતું
ગયા વર્ષે રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણા પ્રધાન કનુ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાત બજેટની કેટલીક રોચક વાતો
ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. 1 મે, 1960ના રોજ મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતું. એ વખતે તેઓ મુખ્ય પ્રધાન પણ હતા અને નાણા પ્રધાનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયું હતું. આમ તો નાણાંકીય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતું હોય છે પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયુ હતું. જેનું કારણ એ હતું કે 1 લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. તેથી સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયું હતું. ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણા પ્રધાન વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 9 વખત બજેટ રજૂ કરનારા નીતિન પટેલ છે.