દેવાના ખપ્પરમાં હોમાયું ગુજરાત, જોઈ લો આ સરકારી આંકડાઃ દરેક પરિવાર પર રૂપિયા ૨,૫૯,૩૦૮ નું દેવું…
આગામી ત્રણ જ વર્ષમાં સરકારનું દેવું રૂ. ૧.૩૯ લાખ કરોડ જેટલું વધવાનું

અમદાવાદઃ ગુજરાત દેવાના ડુંગર તળે દબાઈ રહ્યું છે. તાજેતરમાં રજૂ થયેલા ગુજરાત બજેટમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ગુજરાતના લોકો પર પરિવાર દીઠ ૨,૫૯,૩૦૮ રૂપિયાનું અને માથાદીઠ રૂપિયા ૫૫,૧૭૨ રૂપિયાનું દેવું છે. ગુજરાત સરકારનું દેવું ૧૯૯૯-૨૦૦૦માં માત્ર રૂ. ૧૮,૫૧૦ કરોડ હતું. તે ચાલુ વર્ષે રૂ. ૪.૦૦ લાખ કરોડ થવાનો સુધારેલો અંદાજ સરકારે મૂક્યો છે. સાતેક ટકાના વ્યાજના દરે દસ વર્ષે દેવું બમણું થાય એમ ગણીએ તો ૧૯૯૯-૨૦૦૦નું દેવું અત્યારે આશરે વધુમાં વધુ રૂ. ૧.૨૫ લાખ કરોડ થાય. પણ એ હકીકતમાં ચાર લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે.
Also read : ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક સર્વાનુમતે થયું પસાર
આવતે વર્ષે તે રૂ. ૪.૫૫ લાખ કરોડ થશે, તેના પછીના વર્ષે તે રૂ. ૪.૭૪ લાખ કરોડ થશે; અને તેના પછીના વર્ષે એટલે કે ૨૦૨૭-૨૮માં તે રૂ. ૫.૩૯ લાખ કરોડ થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજકોષીય જવાબદારી ધારો- ૨૦૦૫ મુજબ જે નિવેદન બજેટની સાથે જ અંદાજપત્ર પ્રકાશન નં. ૩૦ તરીકે બહાર પાડવામાં આવ્યું છે તેમાં આ વિગત આપવામાં આવી છે. આમ, આગામી ત્રણ જ વર્ષમાં સરકારનું દેવું રૂ. ૧.૩૯ લાખ કરોડ જેટલું વધવાનું છે.
૨૦૨૧-૨૨માં રાજ્ય સરકારનું દેવું રૂ. ૩.૦૮ લાખ કરોડ હતું. હવે તે ચાલુ વર્ષે રૂ ૪.૦ લાખ કરોડ થાય તો એનો અર્થ એ થાય કે તેમાં ત્રણ જ વર્ષમાં આશરે ૩૦ ટકાનો વધારો થયો. એટલે કે વાર્ષિક સરેરાશ દસ ટકાનો વધારો થયો. આ વધારો ઘણો વધારે કહેવાય એમાં કોઈ શંકા નથી. હજુ પણ સરકારના દેવામાં વધારો થવાનો જ છે એવો જે અંદાજ મૂકવામાં આવ્યો છે તે પણ ચિંતાપ્રેરક છે.
આ સંદર્ભમાં નીચે આપેલા કેટલાક મુદ્દા નોંધનીય છે:
- ગુજરાતનો જીડીપી એટલે કે ગુજરાતના લોકોની કુલ આવક આવતે વર્ષે જે થશે તેના સંદર્ભમાં રાજ્ય સરકારનું દેવું ૧૪.૯૬ ટકા થશે.
- સરકારે ચાલુ વર્ષે સુધારેલા અંદાજ મુજબ રૂ. ૭૬,૦૦૧ કરોડનું દેવું લીધું છે અને આવતે વર્ષે એ રૂ. ૮૯,૫૦૧ કરોડનું દેવું લેવાની છે એવો અંદાજ મૂક્યો છે. આમ, ચાલુ વર્ષ કરતાં આવતે વર્ષે સરકાર રૂ. ૧૩,૫૦૦ કરોડ જેટલું વધારે એટલે કે ૧૭.૭૬ ટકા વધારે દેવું લેવાની છે. એટલે સરકારનું કુલ દેવું વધવાનું જ છે એમાં કોઈ શંકા રહેતી નથી.
- ગુજરાતની હાલની વસ્તી ૭.૨૫ કરોડની ધારવામાં આવે અને તેના વડે ચાલુ વર્ષના રૂ. ૪.૦ લાખ કરોડના દેવાને ભાગવામાં આવે તો સરેરાશ માથાદીઠ દેવું રૂ. ૫૫,૧૭૨ થાય છે. ગુજરાતમાં કુટુંબનું સરેરશ કદ ૪.૭ છે. એટલે એક પરિવારને માથે રૂ. ૫૫,૧૭૨ x ૪.૭ = ૨,૫૯,૩૦૮ રૂ.નું દેવું થાય. ગુજરાતમાં કેટલા પરિવારોની સરેરાશ વાર્ષિક આવક આટલી હશે તે એક મોટો સવાલ છે. જો કે, આ દેવું એ પરિવારોનું નથી પણ સરકારનું છે.
- સંક્ષિપ્ત અંદાજપત્રમાં સરકાર પાસે રૂપિયો ક્યાંથી આવશે અને સરકારનો રૂપિયો ક્યાં જશે તેની વિગતો આપવામાં આવી છે. તે એમ જણાવે છે કે ચાલુ વર્ષે સરકારની એક રૂપિયાની આવકમાં ૨૩.૫૩ પૈસાની આવક દેવામાંથી આવશે અને એક રૂપિયાના ખર્ચમાં ૮.૮૩ પૈસા ખર્ચ જૂનું દેવું ભરપાઈ કરવામાં વપરાશે. હવે આવતે વર્ષે એ રકમ અનુક્રમે ૨૪.૪૦ પૈસા અને ૯.૧૬ પૈસા થવાની છે. આમ એ બે વચ્ચેનો તફાવત જે ચાલુ વર્ષે ૧૪.૭૦ પૈસા છે તે વધીને આવતે વર્ષે ૧૫.૨૪ પૈસા થવાનો છે. તો સરકારની આર્થિક પરિસ્થિતિ સુધરી કહેવાય કે બગડી કહેવાય?
- રાજ્ય સરકારની કર આવક અને કરવેરા સિવાયની આવક, એટલે કે ફી, દંડ, ભાડું વગેરે જેવી આવક, જોરદાર વધે છે તેમ છતાં સરકારનું દેવું મોટા પ્રમાણમાં વધે છે એ એક આશ્ચર્યજનક ઘટના છે. ૨૦૨૧-૨૨માં સરકારની કરવેરાની આવક રૂ. ૧.૨૯ લાખ કરોડ હતી અને આવતે વર્ષે એ રૂ. ૨.૦૮ લાખ કરોડ થવાની છે. આમ, કરવેરાની આવકમાં ચાર જ વર્ષમાં ૬૧.૨૪ ટકાનો વધારો થયો. એટલે કે સરેરાશ દર વર્ષે ૧૫ ટકાથી પણ વધારે દરે કરવેરાની આવક વધી. કરવેરાની આવક આ જ સમયગાળા દરમ્યાન રૂ. ૧૪ હજાર કરોડથી વધીને રૂ. ૨૪ હજાર કરોડ થશે એવો અંદાજ છે.
આમ, તેમાં ૭૧.૪૨ ટકાનો વધારો ચાર જ વર્ષમાં થયો. એનો અર્થ એ કે દર વર્ષે સરેરાશ આશરે ૧૮ ટકાના દરે કરવેરા સિવાયની આવક વધે છે. આટલી ઝડપથી તો ગુજરાતના લોકોની આવક એટલે કે જીડીપી વધતી જ નથી. જીડીપી તો દસ કે અગિયાર ટકાના દરે જ વધે છે. આમ, કર આવક અને બિન-કર આવક બંને ભેગાં કરીએ તો પણ દેવાને તે પહોંચી વળે તેમ છે જ નહિ. - આવતા વર્ષે સરકારની કુલ કર આવક રૂ. ૨.૦૮ લાખ કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે પરંતુ સરકારનું કુલ દેવું આવતે વર્ષે રૂ. ૪.૫૫ લાખ કરોડ થવાનો અંદાજ મૂકાયો છે. આનો અર્થ એ થાય કે સરકારની કર આવકના બમણા કરતાં પણ વધુ તો સરકારનું દેવું હશે. એટલે સરકાર બે વર્ષ સુધી માત્ર દેવું જ ચૂકવે અને બીજું એક રૂપિયાનું પણ કોઈ ખર્ચ ન કરે તો પણ દેવું પૂરું ન થાય તેવી પરિસ્થિતિ છે અને એ તો શક્ય જ નથી. એટલે દેવું વરસોવરસ ચાલુ રહેવાનું છે અને વધવાનું છે એ નક્કી છે.
Also read : ગુજરાતની જનતાને મળશે મફત વીજળી, સરકારે શું કહ્યું જાણો?
ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું, ગુજરાત સરકારે રજૂ કરેલું બજેટ દેવું કરીને ઘી પીવા જેવું છે. દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતીના માથે પણ દેવાનો બોજ વધી રહ્યો છે. રાજ્યનો દરેક વ્યક્તિ 66,000નો દેવાદાર છે. 2025-26ના અંદાજ મુજબ દેવું વધીને 4,55,537 કરોડ રૂપિયા થશે. વર્ષ 2026-27ના અંદાજ પ્રમાણે દેવું 5,38,651 કરોડ રૂપિયા થશે, એટલે કે ત્રણ વર્ષ પછી બાળક જન્મ લેશે તેના માથે વર્ષ 2027-28ના વર્ષમાં દેવું વધીને 89,000 પ્રતિ દેવું હશે. એટલે સરકારે ઉત્સવો, તાયફા, પોતાના માનીતાઓને લાભ કરાવવા જે દેવું વધી રહ્યું છે તેને ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.