Gujarat Budget-2024: 112 સિંગલ ઈમરજન્સી નંબર ને અમદાવાદ-સુરતમાં નવી હૉસ્પિટલની જાહેરાત
ગાંધીનગરઃ અલગ અલગ સેવાઓ માટે અલગ અલગ ઈમરજન્મસી નંબર હોય છે ત્યારે ગુજરાતના નાગરિકોએ હવે એક જ નંબર મોબાઈલમાં ફીડ કરવાનો છે અથવા તો યાદ રાખવાનો છે. આ નંબર છે 112. આ નંબર ડાયલ કરવાથી ગામડામાં 30 મિનિટ અને શહેરમાં દસ મિનિટમાં પોલીસ તમારી સેવામાં હાજર થઈ જશે, તેમ નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું. એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે, તેવી જાહેરાત તેમણે વિધાનસભામાં કરી છે.
આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની જાહેરાત તેમણે કરી હતી. આ માટે સંપૂર્ણ રાજયમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ ૧૧૦૦ જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે, તેમ જણાવ્યું હતું. આ સાથે રાજ્યને બે નવી સરકારી હૉસ્પિટલ પણ બજેટમાં મળી છે.
એક સુરત શહેરના કામરેજ અને બીજી અમદાવાદ જિલ્લાના બાવળામાં ખોલવામાં આવશે. બન્ને હૉસ્પિટલમાં 300 બેડની સુવિધા રહેશે.