
ગાંધીનગરઃ આરોગ્ય સેવાઓ એ રાજ્ય સરકારની મોટી જવાબદારી હોય છે ત્યારે આજે રજૂ થયેલા ગુજરાતના બજેટમાં આરોગ્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે સર્વે સન્તુ નિરામયા:ની ભાવના સાથે વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના રૂ. ૧૫,૧૮૧ કરોડના બજેટમાં ૩૨.૪૦%નો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે રૂ. ૨૦,૧૦૦ કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કરવામાં આવી છે.
તેમની ઘણી જાહેરાતોમાં 108 ઈમરજન્સી સેવા માટે ઉપયોગમાં લેવાતી એમબ્યુલન્સની સંખ્યામાં વધારો કરવા નવી 319 એમ્બ્યુલન્સની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ ૨૫૩૧ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે રૂ. ૩૧૧૦ કરોડની જોગવાઇ, મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે રૂ. ૨૩૦૮ કરોડની જોગવાઇ, G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રૂ. ૪૨૦૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત ૩૫૦ કરોડની જોગવાઈ, સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ, એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૩૧૯ નવી એમ્બ્યુલન્સ માટે રૂ. ૭૬ કરોડની જોગવાઇ, યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે રૂ. ૬૦ કરોડની જોગવાઇ, માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને રૂ. ૧૫ હજાર તેમજ આશા બહેનોને રૂ. ૩ હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે.જેના માટે રૂ. ૫૩ કરોડની જોગવાઈ, ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવા માટે
૪૦ કરોડની જોગવાઇ, મેડીસિટી, અમદાવાદ ખાતે ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના અર્થે રૂ. ૧૦ કરોડની જોગવાઇ વગેરેનો સમાવેશ થાય છે.