Vadodara boat tragedy: 18 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો , 10 દિવસમાં તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ
વડોદરા: શહેરના હરણી તળાવમાં ગઈ કાલે સાંજે સર્જાયેલી બોટ હોનારતમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. બેદરકારી દાખવવા બદલ 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હરણી પોલીસ મથકે સ્ટેશનમાં કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજી બદલ ગુનો દાખલ કર્યો છે. IPCની કલમ 304, 308, 337,338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બોટના સંચલન માટે કોન્ટ્રાક્ટર કોટીયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર બોટની હોડીની ક્ષમતા 16 લોકોની હતી છતાં 25થી વધુ લોકોને એક હોડીમાં બેસાડ્યા હતા. બધાને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હતા.
વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ હરણી તળાવ પાસે પિકનિક માટે આવ્ય હતા. ઘટનાની જાણ થતા જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરીને વડોદરા પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યા હતા. રાજ્ય સરકારે જીલ્લા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.