ગુજરાતમાં આ નિયમો હેઠળ 2 તબક્કામાં બોર્ડની પરીક્ષાઓ લેવાશે
અમદાવાદ: કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) માં ધોરણ 10 અને 12 માટે બે તબક્કામાં બોર્ડ પરીક્ષાઓની જાહેરાત કરી ચુકી છે. હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ પણ બે તબક્કામાં બોર્ડ પરીક્ષાઓ લેવાશે તેવી જાહેરાત કરી છે.
જો કે, ગુજરાતમાં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ માટે ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. GSEB અનુસાર, માર્ચમાં યોજાનારી પ્રથમ તબક્કાની પરીક્ષાને ‘મુખ્ય’ બોર્ડ પરીક્ષા ગણવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં જૂન-જુલાઈમાં જે પરીક્ષા લેવામાં આવશે તેને ‘પૂરક’ પરીક્ષા ગણવામાં આવશે.
જે વિદ્યાર્થીએ માર્ચમાં ‘મુખ્ય’ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હશે તેને જ ‘પૂરક’ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થી જે વિષયોમાં નાપાસ થયો હોય અથવા સ્કોર સુધારવા માંગતો હોય તે વિષયની જ પૂરક પરીક્ષાઓમાં તે બેસી શકશે. આનો અર્થ એ થયો કે વિદ્યાર્થીએ બીજા તબક્કામાં તમામ વિષયની પરીક્ષા આપવાની જરૂર નથી.
મેઇન પરીક્ષાની જેમ પૂરક પરીક્ષા માટે અલગથી ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ તે શાળામાંથી જ ભરવાનું રહેશે જ્યાંથી વિદ્યાર્થીએ મુખ્ય પરીક્ષા માટે ફોર્મ ભર્યું હોય. ધોરણ 10 માટે પૂરક પરીક્ષા 2 વિષયો માટે, ધોરણ 12 (વાણિજ્ય પ્રવાહ) માટે ત્રણ વિષયો અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) માટેના તમામ વિષયો માટે લેવામાં આવશે.
ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) માટે પૂરક પ્રાયોગિક પરીક્ષાઓ ફક્ત મુખ્ય 3 વિષયો માટે જ લેવામાં આવશે, અને માત્ર એવા વિદ્યાર્થીઓ માટે જ લેવામાં આવશે કે જેઓ મુખ્ય પ્રાયોગિક પરીક્ષામાં પાસ થયા નહોતા અથવા ગેરહાજર રહ્યા હતા.
ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) માટે રિ-એસેસમેન્ટ કરાવવા માગતા વિદ્યાર્થીઓ માટે પણ નવા નિયમો છે, જે મુજબ, પૂરક પરીક્ષા પછી, માત્ર રિ-ચેકિંગ થશે, રિ-એસેસમેન્ટ નહી થાય. મુખ્ય પરીક્ષા પછી જ રિ-એસેસમેન્ટની મંજૂરી આપવામાં આવશે.