બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતામાં ઘટાડો! રાજ્ય સરકાર નિયમો સરળ બનાવશે, જાણો શું છે યોજના
ગાંધીનગર: ધોરણ 10 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બોર્ડની પરીક્ષા અંગે ચિંતિત રહેતા હોય છે, કેમ કે આ પરીક્ષાના પરિણામો વિદ્યાર્થીઓની ભાવી કારકિર્દી માટે મહત્વપૂર્ણ હોય છે. એવામાં ગુજરાત રાજ્ય સરકાર બોર્ડની પરીક્ષા (Board Examination) આપનારા વિદ્યાર્થીઓ સારા સમાચાર મળે એવી શક્યતા છે. રાજ્ય સરકાર સરકાર પ્રશ્નપત્રો સરળ અને મૂલ્યાંકનના નિયમો હળવા બનાવવા વિચાર કરી રહી છે. આ પગલાનો હેતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) પેટર્ન અપનાવવાનો છે, જેમાં પાસ થતા વિદ્યાર્થીઓની ટકાવારી સામાન્ય રીતે 90 ટકાથી વધુ હોય છે.
ગત વર્ષનું પરિણામ:
2024ની SSC પરીક્ષાઓમાં પાસીંગ રેટ 82.56 ટકા રહ્યો હતો, જે છેલ્લા 31 વર્ષમાં સૌથી વધુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા પાસીંગ રેટ નોંધાયો હતો, જ્યારે સામાન્ય પ્રવાહમાં 91.93 ટકા પાસીંગ રેટ નોંધાયો હતો. રાજ્ય સરકાર આ આંકડાઓને વધુ સુધારવા માટે ફેરફાર કરી રહી છે.
સરકારની યોજના:
પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાએ એક અખબાર સાથે વાત કરતા કહ્યું, “કડક મૂલ્યાંકન અને ઓછા પરિણામો શિક્ષણના ઉચ્ચ માનકો ન હોઈ શકે. તેને કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયોમાં વધારો થાય છે અને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લેતા નથી.”
તેમને અખબારને જણાવ્યું કે ગયા વર્ષના રેકોર્ડ પરિણામોને કારણે ડ્રોપઆઉટ રેટ ઘટ્યો હતો. જ્યારે વૈશ્વિક સ્તરે ઓપન સ્કૂલ એક્ઝામનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે આપણે વિદ્યાર્થીઓ પર વધુ દબાણ લાદવાની જરૂર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ધોરણ 10 ના પરિણામો પર એક નજર નાખતાં એ સ્પષ્ટ થાય છે. 2022 અને 2023 માં પરિણામ ફક્ત 65 ટકાની આસપાસ હતું.
આ પણ વાંચો : ગાંધીનગરમાં ‘પોલીસ’ છેતરાયાઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને ઝડપ્યો
પરિણામ સુધરવા પગલાં:
શિક્ષણ અધિકારીઓએ નબળા પ્રદર્શન કરતી શાળાઓમાં પરિણામ સુધરવા પગલાં લઇ રહ્યા છે. ગયા વર્ષે, વિવિધ જિલ્લાઓમાં આશરે 70 શાળાઓમાં ધોરણ 10 અને 12 માં શૂન્ય ટકા પરિણામ નોંધાયું હતું. વિભાગે આ સંસ્થાઓમાં શૈક્ષણના ધોરણો સુધારવા વિવિધ પહેલો ચલાવી રહી છે.
પ્રધાને જણવ્યું, “અમે ગુજરાતમાં સાક્ષરતા દર ઊંચો લાવવાની યોજના બનાવી રહ્યા છીએ અને આ એ તરફનું પહેલું પગલું છે. આજના સ્પર્ધાત્મક યુગમાં, બાળકોને શિક્ષિત કરવાની જરૂર છે અને અમે તેના માટે સક્રિયરીતે પગલાં લઈશું.”