ગુજરાતમાં ભાજપે કયા દિગ્ગજ નેતાને સોંપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જવાબદારી?

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની (Gujarat local Body Elections) ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ એક્શન મોડમાં (BJP in Action Mod) આવી ગયું છે. ભાજપ દ્વારા આ ચૂંટણીની જવાબદારી મહામંત્રી રજની પટેલને (Rajni Patel) સોંપવામાં આવી છે. તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે રજની પટેલ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જોડી મળીને આ ચૂંટણી લડશે. જેમાં પાટીલ સી આર પાટીલ દિલ્હીથી માર્ગદર્શન આપશે. સ્થાનિક ચૂંટણીમાં ભાજપ જૂના હોદ્દેદારોથી ચૂંટણી લડશે અને માર્ચમાં નવું સંગઠન રચાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
હાલ ભાજપમાં નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ કોઈ કારણોસર જિલ્લા-શહેર પ્રમુખોના નામ હજુ સુધી જાહેર થયા નથી. સૂત્રોના કહેવા મુજબ દાવેદારોની સંખ્યા વધારે હોવાથી ક્યાંક વિવાદ થાય તેવો આંતરિક ભય પ્રદેશ નેતાગીરીને લાગી રહ્યો હોવાથી હાલ તમામ પ્રક્રિયા અટકાવીને ભાજપના સંગઠનને ચૂંટણીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નવા સંગઠન માળખાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પટેલ-પાટીલની જોડી પર ફરી એક વખત આધાર
ગુજરાતમાં હજુ સુધી પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થયું નથી તેથી ચૂંટણીમાં જીત સરળ બને તે માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી પાટીલનો સાથ રહેશે અને સતત માર્ગદર્શન આપતા રહેશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો સાથ હોવાથી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી લઈ વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો.
ગુજરાતમાં ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 66 નગરપાલિકાની 2178 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.