‘પીળું પાણી રાખતા હોય તો છોડી દેજો, પત્નીને પૂછજો પરિણામ શું આવે છેઃ’ ગોરધન ઝડફિયાની ટકોર

કડીઃ ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાએ (Gordhan Zadafia) જાહેર મંચ પરથી પાટીદાર સમાજને (Patidar Samaj) ટકોર કરી હતી. ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેર મંચ પરથી સંબોધનમાં કહ્યું કે પીળું પાણી રાખતા હોય તો તે છોડી દેજો, દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે, આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે.
ઝડફિયાએ કહ્યું, સમૂહ લગ્ન એટલે સમાજને આવતીકાલે કઈ દિશામાં લઈ જાવો તેના બીજ રોપાય છે. અત્યારે ગામડામાં કોઈ દીકરી દેવા તૈયાર નથી. આમાંથી બહાર નીકળવાનો રસ્તો ક્યો? આવનારા સમયમાં જે પણ કરો તે શિક્ષણ માટે કરો. શિક્ષણ એટલે માત્ર નોકરી મેળવવા માટે નહીં પરંતુ પોતાના પગ પર ઊભા રહેવા માટે શિક્ષણની જરૂર છે. હજુ તો આનાથી વધારે ડિજિટલ યુગ આવી રહ્યો છે અને તેમાં જો તમે તૈયાર નહીં હોવ તો નોકરી કે ધંધો નહીં કરી શકો. હવે સમાજની વાડી કે સમાજના ભવન બનાવવાનું બંધ કરી દો અને સૌથી વધુ આશ્યકતા શિક્ષણની છે. આપણા બાપદાદાએ જે જમીન બચાવી છે તે વેચતા નહીં. ઘર અથવા તો પેટ માટે જરૂર પડે તોજમીન વેચજો પરંતુ ઓડી ગાડી લાવવા માટે જમીન વેચતા નહીં.
આ પણ વાંચો: હાલોલથી ઝડપાયો લાંચિયો PSI; આરોપી સાથે મારઝૂડ નહિ કરવા માંગી 1 લાખની લાંચ
તાજેતરમાં સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં પીએસઆઈ ઉર્વીશા મેંદપરાએ પાટીદાર સમાજના યુવાનો દારુના નશાના રવાડે ચડ્યા હોવાની વાત કરતાં ભારે ચર્ચાઓ જાગી હતી. ત્યારે હવે ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ પણ આવું નિવેદન આપીને ચર્ચા જગાવી છે.
શું કહ્યું હતું પીએસઆઈ ઉર્વીશા મેંદપરાએ
મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ નિવેદન આપતા કહ્યું કે પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. અમે દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાંથી 10 લોકો તો પટેલ યુવાનો જ હોય છે. પીધેલા પકડાયા પછી અમને ભલામણ કરે છે કે તમે પટેલ છો તો તમે તો સમજો. પકડાયા પછી પટેલ તરીકે છોડવા માટે યુવાનો ભલામણ કરે છે પણ હું તો કહું છું કે આવા લોકોને કોઈ ભલામણ કરે તો પણ મારા પટેલ સમાજના છોકરાઓને છોડવાના નહીં, આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો જ ભાન થશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે, તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો, જેનાથી સમાજનું પણ ભલુ થાય. રાજ્યમાં સાયબરના અનેક કેસ હાલમાં સામે આવે છે, ત્યારે આવા સાયબરના કેસમાં પણ 50 ટકા પટેલ સમાજના લોકો હોય છે.