ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણ પહેલા ભાજપને મોટો ફટકો, આ નેતા સમર્થકો સાથે કૉંગ્રેસમાં થયા સામેલ

ડાંગઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની તૈયારીઓ વચ્ચે ડાંગ જિલ્લામાં ભાજપને મોટો ફટકો લાગ્યો હતો. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત સમર્થકો સાથે કૉંગ્રેસમાં સામેલ થયા હતા. અમતિ ચાવડાના હાથે ખેસ પહેરી તેમણે ઘર વાપસી કરી હતી. તેમની સાથે તાલુકા પંચાયત આહવા ભાજપ સદસ્ય દિપક પીપળે, જીલ્લા પંચાયત સભ્ય લાલભાઈ પણ કૉંગ્રેસમાં સામેલ થયા હતા. મંગળ ગાવિત કૉંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પાંચ વર્ષ પહેલાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતે ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધુ હતું. ડાંગના ભાજપ નેતા મંગળ ગાવિત વર્ષ 2020માં કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હવે કૉંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. મંગળ ગાવિત કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને પેટા-ચૂંટણી માટે ટિકિટની માગણી કરી હતી. જોકે, ભાજપે ત્યારે મંગળ ગાવિતને ટિકિટ આપી નહોતી. હવે પાંચ વર્ષ બાદ તેમણે ભાજપમાંથી છેડો ફાડીને ફરી કૉંગ્રેસમાં સામેલ થયા હતા. રાજકીય વર્તુળોમાં ગાવિતના ભાજપમાંથી થયેલા ટૂંકાગાળાના મોહભંગની ચર્ચાએ જોર પકડ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતને આવતીકાલે મળશે નવા પ્રધાનો: ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનમંડળ વિસ્તરણની તારીખ જાહેર
ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના સક્રિય નેતા દીપક પીંપળેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. દીપક પીંપળે છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. તેમણે આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. તેમના અચાનક રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો હતો. દીપક પીંપળેના રાજીનામા પાછળનું કારણ ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ હોવાનું સામે આવ્યું હતું. તેમણે પાર્ટીમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ તમામ નેતાઓનું કૉંગ્રેસમાં જોડાણ એ માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ જમીની સ્તરે સંગઠન માટે એક મોટી તાકાત સાબિત થશે. આગામી સમયમાં આની ડાંગ જિલ્લાના રાજકીય સમીકરણો પર મોટી અસર પડી શકે છે.