ગુજરાતમાં કોરોનાની અસર: ૨૪ વર્ષમાં સૌથી ઓછો જન્મદર ૨૦૨૧માં નોંધાયો…

અમદાવાદઃ કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા. જોકે, મહામારીનો સૌથી મોટો પ્રકોપ ૨૦૨૦માં હતો, પરંતુ તે પછીના વર્ષ ૨૦૨૧માં છેલ્લા ૨૪ વર્ષમાં સૌથી ઓછો જન્મદર નોંધાયો હતો. ૧૯૯૮થી ૨૦૨૨ સુધીના ડેટામાં ૨૦૨૧માં સૌથી ઓછી સંખ્યામાં નોંધાયેલા જન્મ ૧૦,૨૧,૩૬૨ હતા.
આ માહિતી લોકસભામાં આપવામાં આવી હતી. ભારતના વિવિધ રાજ્યોમાં ૧૯૯૮થી ૨૦૨૨ સુધીના વાર્ષિક જન્મ નોંધણી અંગેના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
કોવિડ-૧૯ એ અનેક સામાજિક ઉથલપાથલ સર્જી હતી. સેંકડો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. જેનાથી માનસિક રીતે ઊંડી અસર થઈ હતી. વ્યવસાયો બંધ થવાથી અને ઘણા લોકોએ નોકરી ગુમાવવાથી આર્થિક અનિશ્ચિતતા ફેલાઈ હતી.
ઘણા પરિવારોમાં એક નવું બાળક આયોજિત કરવા માટે યોગ્ય વાતાવરણ નહોતું.
જેની સીધી અસર ૨૦૨૧માં જન્મના આંકડા પર પડી હતી. આવા જ વલણો અન્ય ઘણા રાજ્યોમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં ૨૦૨૧માં જન્મદર પાછલા વર્ષો કરતાં ઓછો હતો.
છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં વાર્ષિક નોંધાયેલા જન્મની સંખ્યા ૧૦ લાખથી થોડી વધુ અને ૧૩ લાખથી ઓછી રહી છે. ૨૦૦૪થી ૨૦૧૬ દરમિયાન, રાજ્યમાં દર વર્ષે ૧૨ લાખથી વધુ જન્મ નોંધાયા હતા. ૨૦૧૭થી, આ આંકડો વાર્ષિક ૧૧ લાખથી ઉપર રહ્યો છે.
આ પણ વાંચો…શું હમ દો હમારે દો મુશ્કેલીઓ વધારશે? ગુજરાતમાં પણ બાળકો ઘટી રહ્યા છે ને…