ગુજરાત બાયોટેકનોલજી યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે 1.3 કરોડની સહાય, મહિલાઓને થશે આ લાભ…

ગાંધીનગરઃ રાજ્ય સરકાર સંચાલિત ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના એક પ્રોફેસરના નેતૃત્વમાં સંશોધકોની એક ટીમ ગેટ્સ ફાઉન્ડેશનના ફંડિંગ હેઠળ ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’-HMB એટલે કે, મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થતા વધુ પડતા રક્તસ્રાવ માટે RNA-આધારિત ડાયગ્નોસ્ટિક અને સારવાર માટે સંશાધનો વિકસાવવા પર કાર્ય કરવામાં આવશે.
આ સંશાધનો પોસાય તેવા સ્કેલેબલ અને ન્યૂનતમ ઈન્વેઝિવ હશે. અંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓ માટે વહેલા નિદાન, વ્યક્તિગત સારવાર અને મેન્સ્ટ્રુઅલ હેલ્થ મેનેજમેન્ટમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટને ‘ગેટ્સ ફાઉન્ડેશન ગ્રાન્ડ ચેલેન્જીસ સપોર્ટ’ હેઠળ સ્વીકારવામાં આવ્યો છે. જેના માટે ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા અંદાજે રૂ. 1.3 કરોડની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “ગેટ્સ ફાઉન્ડેશને ફેબ્રુઆરી 2025માં ‘ગ્રાન્ડ ચેલેન્જીસ’ ફંડિંગ કોલ શરૂ કર્યો હતો, જેમાં મહિલાઓના સ્વાસ્થ્યની ગંભીર પરંતુ ઘણીવાર અવગણના પામતી સમસ્યા ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’ (HMB) ના નિવારણ માટે નવીન અભિગમો આમંત્રિત કર્યા હતા. ફાઉન્ડેશન મૂલ્યાંકન માટે બે-તબક્કાની પ્રક્રિયા અનુસરે છે, જેની શરૂઆત કન્સેપ્ટ નોટ અથવા લેટર ઓફ ઇન્ક્વાયરી (LOI) થી થાય છે, ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો પાસેથી સંપૂર્ણ પ્રપોઝલ મંગાવવામાં આવે છે જેથી વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓ અને વૈજ્ઞાનિક ચોકસાઈ (Scientific Rigour) જળવાઈ રહેશે. HMBની સમસ્યા નિવારણ અને તેની જાગૃતિ માટે GBU દ્વારા મહિલાઓને પણ આમંત્રિત કરાશે જેથી અન્ય મહિલાઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે.
આ અભ્યાસ અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગના સહયોગથી હાથ ધરવામાં આવશે. આજે HMB વિશ્વભરની લાખો મહિલાઓને અસર કરે છે, જેના કારણે એનેમિયા, કાર્યક્ષમતામાં ઘટાડો, લાંબા સમયનો થાક અને જીવનની ગુણવત્તા નબળી પડવી જેવી સમસ્યાઓ થાય છે. ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં જ્યાં સમયસર નિદાન અને અસરકારક સારવાર મર્યાદિત છે, ત્યાં તેની અસર વધુ ગંભીર છે.
આ પ્રોજેક્ટ હોર્મોનલ ઇન્ટ્રા-યુટેરાઇન ડિવાઇસ (Hormonal Intrauterine Device) જેવી સારવારની સ્વીકાર્યતા અને પહોંચ વધારવાના માર્ગો પણ શોધશે. HMBના વ્યાપક પ્રસાર છતાં, તેની પાછળના જૈવિક કારણો વિશે હજુ પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. પરિણામે, સારવારમાં વિલંબ થાય છે અને સતત ભેદભાવ સાથે જોડાયેલું રહે છે. આ માત્ર વૃદ્ધ મહિલાઓ સુધી સિમિત નથી પરંતુ યુવા પેઢીમાં પણ જોવા મળે છે. જોકે, સામાજિક માળખાને કારણે મહિલાઓ ખુલીને વાત કરી શકતા નથી અને સામાન્ય રીતે પેઇન કિલર્સ લઈને કામ ચલાવે છે.
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, “એબનોર્મલ યુટેરાઇન બ્લીડિંગ (Abnormal Uterine Bleeding – AUB), જેનો HMB એક સબસેટ છે, તે વિવિધ પરિબળોને કારણે થાય છે. જેમાં સ્ટ્રક્ચરલ એબનોર્મલીટીઝ (Structural Abnormalities) જેમ કે પોલીપ્સ (Polyps), એડેનોમાયસિસ (Adenomyosis), ફાઈબ્રોઇડ્સ (Fibroids) અને મેલીગ્નન્સી (Malignancy – કેન્સર) નો સમાવેશ થાય છે, જ્યારે નોન-સ્ટ્રક્ચરલ પરિબળોમાં બ્લીડિંગ ડિસઓર્ડર (રક્તસ્રાવ વિકૃતિઓ), ઓવ્યુલેટરી અને એન્ડોમેટ્રિયલ ડિસફંક્શન (Ovulatory and Endometrial Dysfunction) નો સમાવેશ થાય છે.”
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સિંગલ-સેલ RNA સિક્વન્સિંગનો ઉપયોગ કરીને HMBના સેલ્યુલર અને મોલેક્યુલર પરિબળોને મેપ કરવાનો છે, જેથી એન્ડોમેટ્રિયલ માઇક્રોએન્વાયર્નમેન્ટ (Endometrial Microenvironment)નો વ્યાપક ડેટા સંગ્રહ તૈયાર કરી શકાય. આ કાર્યમાંથી મળતી માહિતી અસામાન્ય માસિક રક્તસ્રાવ સાથે સંકળાયેલા મુખ્ય પાથવે અને બાયોમાર્કર્સની ઓળખ કરશે તેવી અપેક્ષા છે.
HMB પરના સંશોધન પ્રોજેક્ટના મુખ્ય ફોકસ એરિયા:
- HMBની ફન્ડામેન્ટલ બાયોલોજીની સમજણને આગળ વધારવી.
- ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારમાં મહિલાઓમાં રોગનો વ્યાપ, અસર અને સ્ત્રીરોગ સ્વાસ્થ્ય તથા જીવનની ગુણવત્તા પર થતી અસરોનું મૂલ્યાંકન કરવું.
- HMBના તપાસ માટેની સુધારેલી પદ્ધતિઓ વિકસાવવી અને તેને પ્રમાણિત કરવી તથા સ્ટાન્ડર્ડાઇઝડ રિસર્ચ પ્રોટોકોલ્સ સ્થાપિત કરવા.
- ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં HMB ના કારણો ઓળખવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક્સ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
- સારવારની અસરકારકતા, સ્વીકાર્યતા અને સારવાર સુધીની પહોંચ વધારવાના માર્ગોનું મૂલ્યાંકન કરવું.



