Ambaji ગબ્બર વિસ્તારમાં 22 દિવસથી દેખાતું રીંછ આખરે પકડાયું
અંબાજી : અંબાજી ગબ્બર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 22 દિવસથી આંટાફેરા મારતું રીંછ પાંચ કલાકની મહેનત બાદ પકડાયું છે. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યું ટીમ દ્વારા ટ્રેયર ગનથી બેભાન કરી રીંછનુ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનીટરીંગ અને વોચ રાખી રાત્રીના સમયે રીંછને ગન વડે બેભાન કરી રેસ્ક્યું કરાયુ છે.
22 દિવસમાં ગબ્બર ખાતે ચાર વખત રીંછ દેખાયું
ગબ્બર ખાતે વારંવાર રીંછ દેખાવાની ઘટનાને લઈને આવનાર ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉભા થઇ રહ્યા હતા. ગબ્બર ખાતે આવેલા શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે છેલ્લા 22 દિવસમાં ગબ્બર ખાતે ચોથી વખત રીંછ દેખાયું છે. 14મી ઓગસ્ટ, 15મી ઓગસ્ટ, 5મી સપ્ટેમ્બર અને 6ઠ્ઠી સપ્ટેમ્બરે રીંછ દેખાયું હતું. અંધારાના સમયમાં રીંછ ગબ્બર આસપાસ આંટાફેરા કરતા જોવા મળ્યું હતું. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે રીંછ પકડવું જરૂરી બની ગયું હતું.
આ પણ વાંચો…..ઉત્તર પ્રદેશમાં બહરાઈચ બાદ હવે Sitapur માં વરુનો આતંક, ત્રણ લોકો પર હુમલો બે ઘાયલ
સતત પેટ્રોલિંગ વચ્ચે રીંછ પકડાયું
અંબાજીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)એ રીંછ વિશે જણાવ્યું હતું કે, અમારી ફોરેસ્ટની ટીમ અને અધિકારીઓ રીંછને લઈને સતત પેટ્રોલિંગ અને મોનેટરીંગ કરી રહ્યા છે. જ્યાં જ્યાં રીંછ લોકેટ થયો હતો ત્યાં જેમ કે ગબ્બર અને આજુબાજુના વિસ્તારો સહિત કુલ પાંચ જેટલા પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા. રીંછને લઈને તમામ પ્રકારના અમારા ફોરેસ્ટ વિભાગ અને રેસ્ક્યૂ ટીમ સાથે અધિકારીઓ સતત મોનિટિંગ કરી રહ્યા હતા. રાત્રે પણ અમારી ટીમ સતત વોચ રાખી રહી હતી.
15મી જૂનથી ઓક્ટોબર સુધી સેન્ચ્યુરી વિસ્તાર બંધ
આરએફઓએ જણાવ્યું હતું કે, 15મી જૂનથી ઓક્ટોબર સુધી સેન્ચ્યુરી વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. કેમ કે પ્રાણીઓનો મેટિંગ પિરિયડ હોય છે. જેમાં પ્રાણીઓમાં સશક્ત નર કમજોર નર પર હાવી થઈ જતો હોય છે અને તેમની જગ્યા લઇ લેતો હોય છે. જેથી કમજોર નર પોતાની સુરક્ષાને લઈને પોતાનો વિસ્તાર છોડી દેતો હોય છે. રીંછ કદાચ પોતાનો વિસ્તાર ભૂલી પણ ગયો હોય કે પછી પોતાનો વિસ્તાર છોડી દીધો હોય તેવું લાગી રહ્યું છે.