ગુજરાતમાં નાણાકીય વર્ષ 2024-25 માં એસએમઈએ અધધ કરોડ એકત્ર કર્યા, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે…

અમદાવાદઃ નાણાકીય વર્ષ 2024-25માં અનેક કંપનીઓ આઈપીઓ લઈને આવી હતી. ગુજરાત સ્થિત એસએમઈ કંપનીઓએ આઈપીઓ દ્વારા 1919 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. મહારાષ્ટ્ર બાદ ગુજરાતની કંપનીઓએ એસએમઈમાં સૌથી વધુ ફંડ ભેગું કર્યું હતું.
ગુજરાત સ્થિત 31 કંપનીઓ NSE પર લિસ્ટ થઈ હતી અને 1236 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. જ્યારે 19 કંપનીઓ BSE NSE પર લિસ્ટ થઈ હતી અને તેમણે 683 કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી એકત્ર કર્યા હતા. દેશભરમાંથી કુલ 241 કંપનીઓએ 9811 કરોડ રૂપિયા આઈપીઓ દ્વારા એકઠા કર્યા હતા. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ કંપનીઓ લિસ્ટ થઈ હતી. 71 એસએમઈ લિસ્ટિંગ સાથે મહારાષ્ટ્ર ટોચ પર હતું. દિલ્હી 36 એસએમઈ આઈપીઓ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.
ગત નાણાકીય વર્ષમાં ગુજરાતની 53 કંપનીઓએ 1609 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસએમઈ અર્થતંત્ર, રોજગારી અને વિકાસના કરોડરજ્જુ છે. આગામી સમયમાં પણ આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં રોકાણકારો આવશે તેવો વિશ્વાસ છે.
તાજેતરમાં ગુજરાતમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિના દાવા વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી હતી. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 5400થી વધુ માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને તાળાં લાગ્યા હતા. જેના કારણે સ્થાનિકો સહિત હજારો લોકોની રોજી રોટી છીનવાઈ હતી.
ગુજરાતમાં નાણાંકીય વર્ષ 2024-25માં ફેબ્રુઆરી 2025 સુધી જ 3148 ઔદ્યોગિક એકમોને બંધ કરવા પડ્યા છે. આમ આ સ્થિતિમાં રોજના સરેરાશ 9 ઔદ્યોગિક એકમોને તાળા લાગ્યા છે. એક વર્ષમાં સૌથી વધુ એકમોને તાળા લાગ્યા હોય તેમાં મહારાષ્ટ્ર 8472 સાથે પ્રથમ ક્રમે છે. ગુજરાત 5455 સાથે બીજા, તમિલનાડુ 4412 સાથે ત્રીજા, રાજસ્થાન 2989 સાથે ચોથા અને કર્ણાટક 2010 સાથે પાંચમાં સ્થાને છે.
સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને વિવિધ યોજનાનો લાભ પણ આપ્યો છે. તેમ છતાં દેશભરમાં આવા ઉદ્યોગ બંધ થવામાં ગુજરાત મોખરાના રાજ્યમાં છે તે વધુ ચિંતાનો વિષય છે. સૂત્રોના કહેવા મુજબ એમએસએમઈમાં હાલમાં ફાઈનાન્સનો પ્રશ્ન સૌથી વધુ નડે છે. હાલ 250 કરોડનું ટર્ન ઓવર ધરાવતી ઈન્ડસ્ટ્રી પણ એમએસએમઈમાં આવે છે. લોન આપવાની વાત આવે ત્યારે બેંકો એમએસએમઈમાં જ આવતી મોટી ઈન્ડસ્ટ્રીને લોન આપે છે, પણ એમએસએમઈને લોન આપતી નથી.
આ પણ વાંચો : આ વસ્તુઓ બનશે મોંઘી, પણ આ મોંઘવારી તમને નડશે નહીં, ફાયદો કરશે