ગુજરાત ATSએ પોરબંદરથી કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક શખ્સને ઝડપ્યો
Gujarat ATS: દિવાળીનો તહેવારની (Diwali celebrations) ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં સુરક્ષાને લઈને પોલીસ (Gujarat Police) સક્રિય થઈ ગઈ છે. ગુજરાત એટીએસ (Gujarat ATS)દ્વારા પોરબંદરમાં (Porbandar) શનિવારે કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ હતી. એટીએસ દ્વારા પકડાયેલા આ જાસૂસની સઘન પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે.
પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા
મળતી માહિતી મુજબ, ATS PSI આર.આર.ગરચરનાઓને ગુપ્ત બાતમી મળી હતી કે, પંકજ દિનેશભાઇ કોટીયા રહે. કે.કે.નગર, લાલાભાઈ ઘંટીવાળાની બાજુની શેરીમાં બોખીરા, પોરબંદર છેલ્લા કેટલાક સમયથી કોઇ પાકિસ્તાની આર્મી કે જાસુસી સંસ્થા ISIના કોઇ અધિકારી કે એજન્ટ સાથે સાથે સંપર્કમાં છે અને પોરબંદર કોસ્ટગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટો અંગેની સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ ફોનમાં સોશિયલ મીડીયાના પ્લેટફોર્મથી મોકલે છે અને તે માટે આર્થિક લાભ પણ મેળવે છે.
આ બાતમી હકીકત બાબતે ATS ગુજરાતના વરીષ્ઠ અધિકારીઓને જાણ કરાતા તેઓની સૂચના મુજબ પંકજ કોટીયાને પૂછપરછ અર્થે અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ હતો. જેની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે, તે તમાકુ પેકીંગનું કામકાજ કરે છે તેમજ છેલ્લા એકાદ વર્ષથી કેટલીક વખત પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડની શીપ ઉપર વેલ્ડીંગ તથા અન્ય પરચુરણ મજુરી કામ માટે હેલ્પર તરીકે કામ કરવા જાય છે. આજથી આશરે આઠેક માસ પહેલા તે Riya નામ ધરાવતી એક ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો.
Riya પોતે મુંબઈની એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી Riya ફેસબુક પ્રોફાઈલ ધારકે પંકજ કોટીયા સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કર્યો હતો અને પૈસાની લાલચ આપી ઉપરોક્ત ઈસમ પાસેથી પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી શીપના નામ, કોસ્ટગાર્ડના શીપના લોકેશન સહિતની માહિતી માંગી હતી. જે મુજબ આ પંકજ કોટીયાનાઓએ છેલ્લા આઠેક માસ દરમિયાન પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી કોસ્ટગાર્ડની શીપના નામ વગેરે લખી વોટસએપના માધ્યમથી Riyaને મોકલી આપ્યા હતા.
આ મહિતી મેળવવા બદલ ફેબ્રુઆરી 2024થી આજ દિન સુધીમાં ટુકડે ટુકડે આ Riya નામની મહિલાએ રૂ. 26,000 અલગ અલગ યુ.પી.આઇ.થી પંકજ કોટીયાનાઓના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. વધુમાં Riyaએ પંકજ કોટીયાનાઓ સાથે ચેટ કરેલ WhatsApp એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખૂલ્યું છે. પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ગત મે 2024માં પોરબંદરથી એક પાકિસ્તાની જાસૂસ પકડાયો હતો. તેની પર ભરૂચ પાસેના ઝઘડિયા ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરીને તેમાંથી મિસાઈલ અને ડ્રોન સહિતની ડિઝાઈનો પાકિસ્તાન મોકલતો હોવાનો આરોપ હતો. તે દેશ અને રાજ્યોને લગતી સંવેદનશીલ માહિતીઓ પણ પાકિસ્તાનમાં મોકલતો હતો.