ગુજરાત ATSની વધુ એક મોટી સફળતા: બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા…

અમદાવાદઃ ગુજરાત એટીએસે બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. એટીએસએ આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
આરોપીઓ યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.ઝડપાયેલા આરોપીઓમાં મયંકર ભારદ્વાજ, મનીષ પટેલ, તેજેન્દ્ર ગજ્જર અને તબરેજ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ ગેંગે મુખ્યત્વે લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવીને 43 જેટલા લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓ દરેક વ્યક્તિ પાસેથી 8થી 10 લાખ રૂપિયા વસૂલતા હતા.ગુજરાત એટીએસએ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં પાંચ લોકોના વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું. આ વિઝાની ખરાઈ માટે જ્યારે ગુજરાત ATSએ લક્ઝમબર્ગની એમ્બેસીનો સંપર્ક કર્યો, ત્યારે એમ્બેસીએ સ્પષ્ટ કર્યું કે આ તમામ વિઝા બનાવટી છે અને તેમના દ્વારા જારી કરવામાં આવ્યા નથી. વધુ તપાસમાં ખુલ્યું કે આ પાંચેય લોકોએ અગાઉ પણ વિઝા માટે અરજી કરી હતી.
જે ખોટા નોકરીના દસ્તાવેજોને કારણે રદ્દ થઈ ગઈ હતી. આ પાંચ કેસ સિવાય, પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી અન્ય 39 લોકો માટે પણ બોગસ વિઝા બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ આ તમામ લોકો પાસેથી મોટી રકમ પડાવીને તેમના પાસપોર્ટ પર નકલી વિઝાના સ્ટીકર લગાવીને છેતરપિંડી કરી હતી. આ કૌભાંડનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને છેતરીને પૈસા કમાવવાનો હતો.
આ પણ વાંચો…ગુજરાત ATSએ પકડેલા આતંકી પાસેથી રામ મંદિરનો મળ્યો નકશો, પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો