
અમદાવાદઃ ગુજરાત એટીએસએ અલકાઇદા ઈન્ડિયાના 4 આતંકવાદીને ઝડપી પાડ્યા હતા. આ આતંકીઓને દિલ્હી, યુપી અને અરવલ્લીથી ગુજરાત એટીએસની ટીમે ઝડપ્યાં હતાં. આ ચારેય આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા. સોશિયલ પ્લેટફોર્મ પરથી ગુજરાત એટીએસની ટીમને ચેટ મળી હતી. ત્યારથી જ આ આતંકીઓ રડાર પર હતા અને તેમને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ચાર પૈકી ત્રણ ગુજરાતના અને એક ગુજરાત બહારનો હોવાનું બહારની હોવાનું જાણવા મળ્યું હતું. અલકાઇદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય જોડાયેલા હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાઇદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળ્યું હતું. આ ચારેય વ્યક્તિને હાલ ગુજરાત એટીએસ ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરી રહી છે.
ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચારેય છેલ્લા ઘણા સમયથી અલકાઇદાના મોડલથી કનેક્ટ હતા. તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાઇદાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ કેટલાંક ગ્રુપમાં પણ સક્રિય હતા. તેઓ આતંકવાદી વિચારધારાની આપ-લેની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા. સમગ્ર બાબતે એટીએસની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં ચાર વ્યક્તિ સતત સક્રિય હતી અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચા કરતી હતી. એ સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ ગુજરાત એટીએસને મળી છે અને એ દિશામાં પણ હવે નવી તપાસ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત આતંકવાદીઓ ઓટો ડિલિટ થઈ જતી એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. એટીએસની મોટી કાર્યવાહી પછી રાજ્યમાં સુરક્ષા એજન્સી સતર્ક બની ગઈ છે તથા એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે.