
અમદાવાદઃ તાજેતરમાં ગુજરાત એટીએસે ચાર આતંકીને ઝડપી પાડ્યા હતા. આતંકીઓએ ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર ડમી એકાઉન્ટ બનાવી દેશ વિરોધી પોસ્ટ મુકીને ઉશ્કેરણી કરી હતી. તેઓ અલકાઇદા ઈન ધ ઈન્ડિયન સબકન્ટિનન્ટ (AQIS) સાથે જોડાયેલા હતા. આતંકીઓ ભારતમાં મોટી આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે, ત્યારે આ કેસમાં હજુ વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.
સાતથી વધુ ગ્રુપના આતંકીઓ સાથે જોડાયેલા
એટીએસની તપાસમાં આતંકીઓની વાતચીતની સોશિયલ મીડિયા પરની ચેટમાં પણ મોટો ઘટસ્ફોટ થયો હતો. ચારેય આરોપી સાતથી વધુ ગ્રુપમાં આતંકીઓ સાથે જોડાયેલા હતા. આ ગ્રુપમાં 20થી વધુ સભ્ય હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આતંકીઓ ભારતમાં આતંકી પ્રવૃત્તિ બાદ ભાગી જવાનું નક્કી કર્યું હતું.
આતંકી હુમલા માટે ષડ્યંત્ર રચવાની યોજના હતી
અમદાવાદનો ફરદીન શેખ અને યુપીના નોએડા ઝીશાન અલી ખુદ પોતાની જાતે આતંકી હુમલો કરવા પ્લાનિંગ કરી રહ્યા હોવાનું ખૂલ્યું હતું, જેમાં નોએડાના ઝીશાને હથિયાર પણ વસાવ્યાં હતાં, જ્યારે અન્ય બે આતંકી મોહમ્મદ ફૈક અને સેફુલ્લા કુરેશી અન્ય યુવાનોને કટ્ટરવાદી બનાવીને આતંકી હુમલા માટે ષડ્યંત્ર રચવાનું પ્લાન કરી રહ્યા હતા.
જેહાદી સાહિત્ય વાંચ્યા બાદ કટ્ટરવાદી બન્યા
ચારેય આતંકીઓ જેહાદી સાહિત્ય વાંચ્યા બાદ કટ્ટરવાદી બન્યા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ આતંકીઓએ ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ટેરર ગ્રુપ બનાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ વીડિયો કોલ પર વાતચીત પણ કરતા હતા, સાથે પોલીસ પકડી ન શકે એ માટે ઈન્સ્ટાગ્રામમાં ઓટો ડિલિટ રાખતા હતા, જે ગ્રુપમાં કરેલી વાતચીત ચેટ જાતે ડિલિટ થઈ જતી. હાલમાં આતંકીઓની તપાસ માટે સેન્ટ્રલ એજન્સી અમદાવાદ આવી છે. આગામી તપાસમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.
આ પણ વાંચો…ગુજરાત ATSને મળી મોટી સફળતાઃ અલકાઇદા ઈન્ડિયાના 4 આતંકવાદી ઝડપ્યાં…