આપણું ગુજરાત

Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના 10 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગર: છોટા ઉદેપુર જીલ્લાના બોડેલીમાં પકડાયેલી નકલી સરકારી ઓફીસ અંગે ગુજરાત વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. આજે મંગળવારે વિધાનસભામાં કોંગ્રેસના દસ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ વિધાન સભ્યોએ રાજ્યમાં નકલી સરકારી કચેરીઓની તપાસ અંગે ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ આજના દિવસની બાકીની કાર્યવાહીમાં ભાગ નહીં લઇ શકે.

કોંગ્રેસ વિધાનસભ્યો અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, તુષાર ચૌધરી, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ ચૌહાણ, અમૃતજી ઠાકોર, અનંત પટેલ, ઈમરાન ખેડાવાલા, કાંતિ ખરાડી અને અરવિંદ લાડાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સમાવેશ થાય છે.


આજે ગૃહની પ્રથમ બેઠકના પ્રશ્નકાળ દરમિયાન જ્યારે કોંગ્રેસના વિધાન સભ્ય તુષાર ચૌધરીએ ઉઠાવેલા તારાંકિત પ્રશ્નને ચર્ચા માટે લેવામાં આવ્યા બાદ હોબાળો થયો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની નકલી સરકારી કચેરી વિશે વિગતો જાણવા તુષાર ચૌધરીએ માંગી હતી.


ચર્ચા દરમિયાન, આદિજાતિ વિકાસ પ્રધાન કુબેર ડીંડોરે માહિતી આપી હતી કે છોટા ઉદેપુરના બોડેલીમાં આવેલી નકલી ઓફિસ રાજ્ય સરકાર હેઠળની કોઈ સત્તા ધરાવતી નથી અને તેની જાણ થતાં જ FIR નોંધવામાં આવી હતી અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


કુબેર ડીંડોરે કહ્યું કે આરોપીઓએ નકલી ઓફિસ દ્વારા સરકારી અનુદાનમાંથી આશરે રૂ. 21 કરોડ મેળવ્યા હતા. નકલી ઓફિસ વિશે કોઈએ ફરિયાદ કરી નથી પરંતુ સરકાર દ્વારા તેને શોધી કાઢવામાં આવી હતી અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.


તુષાર ચૌધરીએ ત્યાર બાદ આરોપ લગાવ્યો હતો કે છોટા ઉદેપુરમાં વિવિધ વિભાગો હેઠળ કુલ પાંચ નકલી સરકારી કચેરીઓ કાર્યરત હતી અને આરોપીઓએ તેમના દ્વારા 21 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.


કોંગ્રેસના વિધાનસભ્ય અમૃતજી ઠાકોરે પ્રશ્ન કર્યો હતો કે પકડાયા પહેલા નકલી ઓફિસ કેટલા સમયથી કાર્યરત હતી? આના પર, કુબેર ડિંડોરએ કહ્યું કે તે 2016-17 થી કાર્યરત હતી અને 26 ઓક્ટોબર, 2023 ના રોજ FIR નોંધવામાં આવી હતી.


ત્યાર બાદ કોંગ્રેસના વિધાનસભ્યો પ્રશ્ન કર્યો કે આ છેતરપિંડી પર આઠ વર્ષો સુધી કોઈનું ધ્યાન ન હતું. ડીંડોરે કહ્યું કે હું ભૂતકાળનો ઉલ્લેખ નથી કરવા માંગતો, પણ કોંગ્રેસ શાસન દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ શાળાઓ મળી આવી હતી.


ત્યાર બાદ કોંગ્રેસના વિધાન સભ્યો તેમની બેઠકો પરથી ઉભા થયા અને વાંધો ઉઠાવ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં નકલી ઓફિસો અને નકલી ટોલ બૂથ મળી રહ્યા છે ત્યારે પણ પ્રધાન ભૂતકાળની વાત કરી રહ્યા છે.
કોંગ્રેસના વિધાનસભ્યોને સ્પીકર શંકર ચૌધરીએ ચેતવણી આપી હતી અને તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે ખાતરી સાથે બેસી જવા માટે કહ્યું હતું. પરંતુ કોંગ્રેસના વિધાન સભ્યોએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય હેમંત આહિર કોંગ્રેસના ધારાસભ્યો સાથે જોડાયા હતા.


વિધાનસભા અને સંસદીય બાબતોના પ્રધાન રૂષિકેશ પટેલે બાકીના દિવસ માટે કોંગ્રેસના વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તને ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે સમર્થન આપ્યું હતું, જેના પગલે સ્પીકર દ્વારા 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે કુલ 15 વિધાનસભ્યો છે, જેમાંથી પાંચ આજે ગેરહાજર રહ્યા હતા, એટલે હવે આજે વિધાનસભા ગૃહ કોંગ્રેસના વિધાનાભ્યો વગર ચાલશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button