ગુજરાતમાં વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો કરે છે સ્કૂલ બંક: સરકારે વિધાનસભામાં આપી આ માહિતી

ગાંધીનગરઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સ્કૂલ બંક કરતા હોય છે અને શિક્ષકો તેમને સ્કૂલે આવવા પ્રોત્સાહન આપતા હોય છે, પરંતુ ગુજરાતમાં હાલમાં સ્કૂલ બંક કરતા ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ચગ્યો છે ત્યારે સરકારે વિધાનસભામાં આપેલી માહિતી ચોંકાવનારી છે અને સાથે સરકારી સ્કૂલોમાં બાળકોના શિક્ષણ સાથે કેવા ચેડાં થાય છે તેનો ચિત્તાર પણ મળે છે.
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર ગઈકાલથી શરૂ થઇ ગયું છે. સત્રના પ્રથમ દિવસે જ ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો હતો. વિપક્ષે સતત ગેરહાજર રહેતાં અને વિદેશ પ્રવાસે નીકળેલાં શિક્ષકો સામે સખત કાર્યવાહીની માંગ કરી સરકારને ઘેરી હતી. દરમિયાન શિક્ષણ પ્રધાનએ આ અંગે પૂછાયેલા સવાલોના જવાબમાં જણાવ્યુ હતુ કે 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે, જ્યારે 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. શિક્ષણ પ્રધાનએ એવો દાવો કર્યો હતો કે, એક પણ ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી.
ચોમાસુ સત્રના ત્રણ દિવસે ટૂંકી મુદતના પ્રશ્ન વખતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ એવો આક્ષેપ કર્યો હતો કે, દાંતામાં સતત ગેરહાજર રહેતાં શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરાઈ હોવા છતા કોઈ પગલાં લેવાયાં નથી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતાં શિક્ષકો જ નહીં, જવાબદાર આચાર્ય-શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ.
જેના સવાબમાં શિક્ષણ પ્રધાનએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં સાત શિક્ષકો છે જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતાં નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર શિક્ષકો પૈકી છ શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકોએ સામે ચાલીને રાજીનામું આપ્યુ છે.
ત્રણ વર્ષમાં આટલા શિક્ષકો સામે થઈ છે કાર્યવાહી
તેમણે ઉમેર્યુ હતુ કે વિદ્યા સમીક્ષા કેંન્દ્ર દ્વારા શિક્ષકોની ઓનલાઈન હાજરી લેવાઈ રહી છે ત્યારે વર્ષ 2019થી 2022 દરમિયાન બિન અધિકૃત ગેરહાજર શિક્ષકોની માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવી છે. કુલ મળીને બિન અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર હોય તેવા 70 શિક્ષકો ઉપરાંત વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર હોય તેવા 60 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે અન્ય ગુ શિક્ષકો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે, તેમ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું.