ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રમાંથી બે દિવસ તો ગયા, હવે વિપક્ષના ધારાસભ્યો સસ્પેન્ડ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસા સત્રની ગઈકાલે શરૂઆત થઈ છે. જોકે આ સત્ર માત્ર ત્રણ જ દિવસનું હોઈ, આજે બીજા દિવસે પણ જનતાના પ્રશ્નો ન સાંભળવા મામલે કૉંગ્રેસે હલ્લાબોલ કરતા તમામ સભ્યને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજના દિવસની શરૂઆતમાં જ 21 મિનિટ સુધી ગૃહમાં દલીલો ચાલી હતી.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે બીજો દિવસે દરમિયાન વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની ફરિયાદ સાથે દલીલો થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય પ્રધાન ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી હતી. વિધાનસભાના નિયમ 52 પ્રમાણે કોંગ્રેસના સભ્યોને નિલંબિત કરવા દરખાસ્ત મૂકવામાં આવી હતી. દરખાસ્ત બાદ બહુમતીને આધારે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો હતો.
કોંગ્રેસના અમિત ચાવડાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી
વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆતમાં વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાનો વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા અંગેનો પ્રશ્ન પૂછવા માટે અધ્યક્ષે સુચના આપી હતી. ગૃહમાં પ્રશ્ન પૂછાય એ પહેલા કોંગ્રેસના અમિત ચાવડાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી અને કોંગ્રેસ પક્ષના સભ્યોના પ્રશ્નો દાખલ ન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં આક્ષેપો કર્યા હતા કે સત્તા પક્ષના સભ્યોના પ્રશ્નો તાત્કાલિક દાખલ કરવામાં આવે છે જ્યારે કોંગ્રેસના પ્રશ્નોને દાખલ કરવામાં આવતા નથી. સત્રની શરૂઆતથી લગભગ 21 મિનિટ સુધી આ મુદ્દે આક્ષેપો-પ્રતિઆક્ષેપો ચાલ્યા હતા. અંતે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. ત્યારબાદ સંસદીય પ્રધાનની દરખાસ્તને આધારે અધ્યક્ષે ગૃહમાં મત મેળવ્યા બાદ કોંગ્રેસના તમામ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
Also Read –