Gujarat: એમબ્યુલન્સ તો આવી, પણ કાચા રસ્તાને લીધે પ્રેગનન્ટ મહિલા સુધી પહોંચી જ નહીં

અમદાવાદઃ પાકા રસ્તાનો અભાવ ગુજરાતના ઘણા ગામડાઓને કનડે છે. રસ્તા પાકા ન હોવાથી વાહન વ્યવહારની સુવિધાઓ નહીવત હોય છે અને આથી વિદ્યાર્થીઓ સહિતે સૌ કોઈ રોજબરોજની અવરજવર કરવા ખાનગી વાહનો પર નિર્ભર છે. આવા જ એક ગામના કાચા રસ્તાને લીધે એક પ્રેગનન્ટ મહિલાને લેબર પેઈન ઉપડ્યાની સ્થિતિમાં પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
છોટાઉદેપુરના કુકરદા ગામમાં મહીલાને પ્રસૃતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ કાચા રસ્તાને લીધે મહિલાના ઘર સુધી આવી શકી નહીં. ત્યારબાદ ગામજનોએ સાથે મળી એક ખાનગી વાહનમાં મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હોવાનો બનાવ બન્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુકરદા ગામના ડુકટા ફળિયામાં 200 જેટલી માનવ વસ્તી રહે છે. સમગ્ર ગામમાં 5000 વસ્તી છે. છેવાડાના વિસ્તારમાં રહેતા ગ્રામજનો માટે રસ્તાની કોઈ સુવિધા નથી. આ ગામમાં પથ્થર વાળા કાચા રસ્તે 108 આવી શકે તેમ નથી. ડુકટા ફળિયામ જયારે પણ લોકો બીમાર પડે ત્યારે તેઓને પાકા રસ્તા સુધી પહોંચવા માટે પગદંડી અથવા ખાનગી વાહનમાં જીવના જોખમે આવવું પડે છે. કોઈપણ સારા નરસા પ્રસંગેમાં લોકોએ ગામની બહાર નીકળવા કે ગામમાં આવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. મહિલાઓ મોડી સાંજ બાદ ક્યાય આવી જઈ શકતી નથી. વૃદ્ધોની હાલત કફોડી થઈ જાય છે.
આવી સ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવતી વિકાસની વાતો અને દરેક ગામને ગોકુળીયું બનાવાના દાવાઓ પોકળ સાબિત થાય છે.