Amreliના ધારીમાં વન વિભાગે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો

ધારી : અમરેલી (Amreli) જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં અવારનવાર સિંહ અને દીપડા ઘૂસી જવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે શનિવારે રાત્રે અમરેલીના ધારીના જળજીવડી ગામમાં દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી હતી. ગામની શેરીઓમાં દોડધામ કરી રહેલો દીપડો એક ઘરમાં અભરાઈ પર ચડી બેસી ગયો હતો. આ ઘટના અંગેની જાણ વનવિભાગની ટીમને કરાતા દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો.
રૂમની અભરાઈ પર ચડી બેસી ગયો
ધારીના જળજીવડી ગામમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ વચ્ચે અચાનક જ દીપડો ઘૂસી આવ્યો હતો અને પશુ પર હુમલો કરતા ગામમાં દોડધામ મચી હતી અને લોકો સલાસત સ્થળે પહોંચી ગયા હતા. ગામની શેરીઓમાં દોડધામ કરી રહેલો દીપડો અચાનક એક ઘરમાં ઘૂસી ગયો હતો અને એક રૂમની અભરાઈ પર ચડી બેસી ગયો હતો.
વન વિભાગે ટ્રાન્ક્વિલાઈઝર ગનથી બેભાન કરી રેસ્ક્યુ કર્યો
રહેણાક મકાનમાં દીપડો ઘૂસી ગયાની જાણ થતા વનવિભાગની ટીમ રાત્રિના સમયે જ ગામમાં દોડી આવી હતી. દીપડાને પકડવા માટે બેભાન કરવો જરૂરી લાગતા વનવિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રાન્ક્વિલાઈઝર ગન તૈયાર કરવામાં આવી હતી. મકાનની બહારના ભાગે એક બારી હોઇ વનકર્મીઓ સીડીની મદદથી બારી સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી દીપડાને બેભાન કરાયો હતો. વન વિભાગે દીપડાને એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે.